Site icon Revoi.in

નડિયાદ સ્ટેશન પર 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

Social Share

અમદવાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ જંકશન  સ્ટેશન પર 2.25 કરોડના નવનિર્મિત રેલવે ફુટ ઓવરબ્રિજનું કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ,  પશ્ચિમ રેલવે ડિવિઝન,વડોદરાના ડી.આર. એમ. અમિતકુમાર ગુપ્તા  સહિત  રેલવેના અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય  સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ  ચૌહાણે જણાવ્યું હતું કે,અંદાજીત 2.25 કરોડના ખર્ચે નડીઆદ સ્ટેશન પર આ ફુટ ઓવરબ્રિજ બનાવાયો છે, જેનું આજે લોકાર્પણ કરાયું છે. ફુટ ઓવરબ્રિજની બંને  બાજુ લીફ્ટનું કામ પણ પૂર્ણ થવામાં છે. આ ઉપરાંત ગુજરાત ગૌરવયાત્રા દરમિયાન કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવજીએ નડિયાદની મુલાકાત લીધી ત્યારે નડિયાદ એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ હોઈ તેમની સ્મૃતિની થીમ પર નડિયાદ સ્ટેશનને વિશ્વ સ્તરીય ઓપ આપી તેનું બાંધકામ કરવામાં આવશે તેવી  જાહેરાત કરી હતી અને એ દિશામાં ડિઝાઇન સહિતની કામગીરી માટે શ્રદ્ધેય પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પણ આશીર્વાદ આપ્યા છે ત્યારે આ કાર્ય પણ આગામી સમયમાં ઝડપથી હાથ ધરાશે.

નડિયાદ પૂર્વ પશ્ચિમને જોડતો બ્રિજ પણ સ્ટેશન પર બનાવવાની યોજના પણ આ કાર્યમાં સમાવિષ્ટ થાય તેવી વિચારણા હોવાનું પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉમેર્યું હતું.નડિયાદ સ્ટેશન પર નવનિર્મિત ફુટ ઓવરબ્રિજનો મુસાફરો ઉપયોગ કરે અને રેલવે ટ્રેક પર પાટા ઓળંગી નિયમો તોડવાનું ટાળી  જીવન સલામતી અને પોતાના પરિવારનો ખ્યાલ રાખવા પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે અપીલ કરી હતી.

Exit mobile version