Site icon Revoi.in

સરહદે અજંપા ભરેલી શાંતિ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની જમ્મુ મુલાકાત રદ્દ

Social Share

જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન દ્વારા ગત 20 કલાકમાં સંઘર્ષવિરામ ભંગની કોઈ ઘટના સામે આવી નથી. જો કે તેમ છતાં પણ સરહદે શાંતિ બેચેની ભરેલી છે. અધિકારીઓ દ્વારા ગુરુવારે આના સંદર્ભે માહિતી આપવામાં આવી છે.

તેની સાથે જ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જમ્મુના પોતાના નિર્ધારીત પ્રવાસને રદ્દ કર્યો છે. તેઓ સામ્બા અને અખનૂર સેક્ટરોમાં બે મહત્વના પુલોના ઉદ્ઘાટન સિવાય ગત નવ દિવસોથી ચાલી રહેલા ગોળીબારને ધ્યાનમાં રાખીને સીમા પરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આ મુલાકાત કરવાના હતા.

એક સંરક્ષણ પ્રવક્તાએ કહ્યુ છે કે જમ્મુ, ખાસ કરીને સર્વાધિક પ્રભાવિત રાજૌરી અને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર બુધવારે બપોરથી પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ થવાના કોઈ અહેવાલ આવ્યા નથી. પાકિસ્તાને બંને જિલ્લાના બિનલશ્કરી વિસ્તારોના નિશાન બનાવવા માટે તોપ અને લાંબા અંતરના મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. તેનો ભારતીય સેના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.

પ્રવક્તાનું કહેવું છે કે સેના નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર અત્યાધિક સતર્કતા દાખવી રહી છે અને પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. મહત્વપૂર્ણ છે કે પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. બાદમાં ભારતે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદની શિબિર પર હવાઈ હુમલો કર્યો હતો. બાદમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ભંગની ઘટનાઓ વધી છે.

પાકિસ્તાને રાજ્યમાં નિયંત્રણ રેખા પાસે ગત સપ્તાહે સંઘરવિરામ ભંગની 100થી વધારે ઘટનાઓમાં 80થી વધુ ગામડાંને નિશાન બનાવ્યા હતા. જેમાં એક પરિવારના ત્રણ સદસ્યો સહીત ચાર સામાન્ય નાગરીકોના મોત નીપજ્યા હતા અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા.

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર સામાન્ય નાગરીકોને નિશાન બનાવવાને લઈને બુધવારે પાકિસ્તાનને આકરી ચેતવણી આપી હતી અને કહ્યુ હતુ કે ઉશ્કેરણીની આવા પ્રકારની ભાવિ કાર્યવાહી અથવા દુસ્સાહસના ગંભીર પરિણામો આવશે.

પ્રવક્તાએ કહ્યુ છે કે સંરક્ષણ પ્રધાન દ્વારા બીન પુલ અને ઢોક પુલના લોકાર્પણ માટે સામ્બા અને અખનૂર સેક્ટરોનો નિર્ધારીત પ્રવાસ રદ્દ કર્યો છે. તેમણે પ્રવાસ રદ્દ કરવા પાછળનું કોઈ કારણ આપ્યું નથી. કહેવામાં આવ્યું છે કે મુલાકાતની નવી તારીખની બાદમાં જાણકારી આપવામાં આવશે.