Site icon Revoi.in

સુરત શહેરમાં બહારથી આવનારા પ્રવાસીઓને શરદી, ખાંસી કે તાવ હશે તો નો એન્ટ્રી

Surat: Officials distribute sanitizers to bus passengers in the wake of coronavirus pandemic, at a bus station in Surat, Monday, March 16, 2020. (PTI Photo)(PTI16-03-2020_000034B)

Social Share

સુરત : શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. કોરોનાના વધતા કેસ અને મોતનો આંકડો સતત તંત્રની ચિંતા વધારી રહ્યો છે. આવામાં તંત્ર દ્વારા અનેક નિર્ણયો લઈને કોરોનાના કહેરને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા નિર્ણય લેવાયો કે, શરદી ,ખાંસી, કે તાવ હોય તો સુરતમાં એન્ટ્રી નહિ મળે.  સુરતના પ્રવેશદ્વારે તમામનું ટેસ્ટીંગ કરાશે.
સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ હબ છે. આ સિવાય અનેક ઉદ્યોગ સુરતમાં ધમધમે છે. તેથી અહી રોજના અનેક લોકોની અવરજવર હોય છે. પરપ્રાંતથી પણ ઘણાબધા લોકો આવતા હોય છે. આવામાં બહારથી આવનારા લોકોથી કોરોના વધુ ન વકરે તે માટે સુરત પાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. સુરત પાલિકાએ જાહેરાત કરી કે, બહારથી આવનાર મુસાફરમાં શરદી ,ખાંસી, કે તાવ હશે. તો સુરતમાં એન્ટ્રી નહિ મળે. સુરતમાં કોરોનાની ચેઇન તોડવા સુરત પ્રવેશ દ્વારે પાલિકા સઘન તપાસનો પ્રારંભ કર્યો છે. આ કાર્યમાં પોલીસની પણ મદદ માગવામાં આવી છે. સુરતમાં પ્રવેશતા તમામ યાત્રીઓની એન્ટ્રી પોઇન્ટ પર ફરજિયાત ટેસ્ટીંગ કરવામાં આવશે.  તો બીજી તરફ, મ્યુનિ.કોર્પોરેશનએ પોઝિટિવ દર્દીને શોધવા માટે કોમ્બિગ ઓપરેશન શરૂ કર્યું છે. પોઝિટિવ દર્દી સુપર સ્પ્રેડર ન બને તે માટે તે શોધવા 64 ટીમ બનાવાઈ છે. જે આખા સુરતમાં ફરીને પોઝિટિવ દર્દી શોધશે. આ ટીમે એક મહિનામાં 9772 કેસ પોઝિટિવ શોધી કાઢ્યા છે. આ સાથે જ સુરતના નાનપુરામાં પોઝિટિવ દર 12 ટકા છે. કોરોનાના ડામવા સુરતનું તંત્ર એક્ટિવ થયું છે. ત્યારે રાજ્યભરમાં સુરતની આ પેટર્નનો ઉપયોગ કરાશે. સુરતના કોવિડ કોમ્યુનિટી સેન્ટરનું અનુકરણ આખા રાજ્યમાં થશે. સુરતમાં 25 કોવિડ કોમ્યુનિટી સેન્ટર છે, જેમાં હાલ 1557 દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે.