Site icon Revoi.in

બાળ લગ્ન મામલે દેશનો કોઈ પણ પર્સનલ લો PCMA અને પોક્સો એક્ટથી ઉપર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

Social Share

પ્રયાગરાજ, 8 જુલાઈ 2026: બાળ લગ્નો અટકાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ કર્યો છે કે, મુસ્લિમ પર્સનલ લો (શરિયા) સહિત દેશનો કોઈ પણ પર્સનલ લો, ‘બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006’ (PCMA) હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી શકે નહીં. આ સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ પર્સનલ લો બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપતા ‘પોક્સો એક્ટ’ ની જોગવાઈઓથી ઉપર હોઈ શકે નહીં. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ અચલ સચદેવની ખંડપીઠે આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી બુલંદશહરમાં નોંધાયેલી એક ફરિયાદને રદ કરવાની માંગ કરતી 19 આરોપીઓની રિટ પિટિશનને ફગાવી દેતા કરી હતી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં લગ્ન માટેની લઘુત્તમ કાનૂની ઉંમર તમામ નાગરિકો માટે સમાન છે અને ધર્મના આધારે કોઈ પણ બાળ લગ્નને કાયદેસર ઠેરવી શકાય નહીં.

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના લગ્ન કરાવવા એ કાયદાકીય રીતે PCMAનું સરેઆમ ઉલ્લંઘન છે. આવા લગ્ન બાદ જો શારીરિક સંબંધો બાંધવામાં આવે, તો તે પોક્સો એક્ટ હેઠળ ગુનાની શ્રેણીમાં આવશે. આથી, કોઈ પણ પર્સનલ લોનો સહારો લઈને આ પ્રકારના ગંભીર ગુનાઓમાંથી બચી શકાશે નહીં.

હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે, “PCMA અને POCSO જેવા કાયદાઓ જાહેર હિત, વૈજ્ઞાનિક સમજ અને રાષ્ટ્રીય નીતિના પાયા પર ઘડવામાં આવ્યા છે. તેથી, આ કાયદાઓમાંથી કોઈ પણ ચોક્કસ સમુદાય કે વ્યક્તિને ધર્મના નામે મુક્તિ આપી શકાય નહીં.” આ સાથે જ અદાલતે બાળ લગ્ન અટકાવવા ગયેલી પોલીસ અને ચાઇલ્ડ લાઇન (રેસ્ક્યૂ ટીમ)ની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે સંભવિત ગુનાને રોકવા માટે પોતાની કાનૂની અને નૈતિક ફરજ બજાવી હતી.

આ સમગ્ર મામલો ‘રૂબી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય’ કેસનો છે. બુલંદશહરમાં એક 16 વર્ષની સગીર મુસ્લિમ કન્યાના નિકાહ થવાના હોવાની માહિતી મળતા પોલીસ અને ચાઇલ્ડ લાઇનની ટીમ તેને બચાવવા પહોંચી હતી. આ દરમિયાન આરોપીઓએ સરકારી ટીમ પર હુમલો કર્યો હતો અને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો હતો. આ ગુના બદલ 19 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ આરોપીઓ સામે ગંભીર ગુનાના પૂરતા પુરાવા હોવાનું જણાવીને અલ્હાબાદ હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરવાનો સાફ ઈનકાર કરી દીધો છે અને તમામની અરજીઓ ખારીજ કરી દીધી છે.

Exit mobile version