Site icon Revoi.in

કંગના રનોત બાદ હવે આ એક્ટરને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી વાય કેટેગરીની સુરક્ષા, જાણો સુરક્ષા આપવાનું કારણ

Social Share

દિલ્લી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફિલ્મ એક્ટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગૃહ મંત્રાલય દ્વારા સની દેઓલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સની દેઓલની સુરક્ષા હવે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવશે. આ પહેલા પણ સની દેઓલ પાસે પંજાબ પોલીસના કમાન્ડોની સુરક્ષા છે, જે તેમને રાજ્ય સરકારના વાય કેટેગરીના સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આપવામાં આવી છે.

હવે કેન્દ્ર સરકારના વાય કેટેગરી સિક્યોરીટી પ્રોટોકોલ મુજબ સની દેઓલની સુરક્ષાને અપડેટ કરવામાં આવી છે. સની દેઓલને જે વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે,તેમાં કુલ 11 જવાન હશે, એમાં 2 પીએસઓ પણ સામેલ છે. સાંસદ સની દેઓલની ઓફિસથી પ્રાપ્ત માહિતી મુજબ તેમની પાસે વાય કેટેગરીની સુરક્ષા પહેલાથી જ છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલ અને થ્રેટ પરસેપ્શનના આધાર પર સની દેઓલને કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી છે.

સની દેઓલને સુરક્ષા આપવાનું કારણ શું છે ?

સની દેઓલ પંજાબના ગુરદાસપુરના ભાજપના સાંસદ છે. ગુરદાસપુર ભારત-પાકિસ્તાન સરહદની નજીકનો એક વિસ્તાર છે, તેથી અહીં હંમેશા જોખમ રહેતું હોય છે. એટલું જ નહીં,આ સુરક્ષા એવા સમયે આપવામાં આવી છે. જ્યારે પંજાબના ખેડૂતો તેમની માંગણીઓ સાથે ધરણા પર બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ ન થવા પર ઘણા ખેડૂતો દ્વારા ભાજપના નેતાઓ અને મંત્રીઓને ઘેરી લેતા જોવા મળ્યા.

હાલમાં સની દેઓલે ખેડૂત આંદોલન અંગે પોતાનું મૌન તોડ્યું હતું. સની દેઓલે કહ્યું હતું કે,ખેડુતો અને સરકારે આ મુદ્દાનો ઉકેલ પોતાને વચ્ચે શોધી કાઢવો જોઈએ. તે ખેડુતો અને સરકારની સાથે છે. તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર હંમેશાં લોકોના કલ્યાણ માટે કાર્ય કરે છે.

તેમણે એક લેટરમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, “હું આખી દુનિયાને વિનંતી કરું છું કે, આ ખેડૂત અને અમારી સરકારની વચ્ચેનો મામલો છે. કોઈએ તેની વચ્ચે આવવું નહીં. અમે વાતચીત કરીને આનું નિરાકરણ લાવીશું. હું જાણું છું કે ઘણા લોકો આનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેઓ અવરોધો પેદા કરી રહ્યા છે. તે જરા પણ ખેડુતો વિશે વિચારતો નથી. તેમને પોતાનો કોઈ સ્વાર્થ હોઈ શકે છે.

-દેવાંશી