- માગસરની શુક્લ પક્ષની એકાદશી પર ગીતા જયંતિની કરાય છે ઉજવણી
- ભગવદ ગીતાને 18 અધ્યાયમાં વહેંચવામાં આવી છે
- ભગવદ ગીતાનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણના મોંમાંથી થયો છે
માગસરની શુક્લ પક્ષની એકાદશી પર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવદ્ ગીતાનું વાંચન અને શ્રવણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગીતા જયંતિ મોક્ષદા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. ભગવદ ગીતાને 18 અધ્યાયમાં વહેંચવામાં આવી છે, જેમાં જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગની ચર્ચા કરવામાં આવે છે. આમાં પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ ત્યારબાદ 6 અધ્યાયોમાં જ્ઞાન યોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે .
આપણા સનાતન ધર્મમાં ગીતા જયંતિનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ વિશે વાત કરીએ તો આ દિવસે મહાભારત યુદ્ધ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આજે તેના યાદમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે.
આ ખાસ દિવસે હિંદુ ધર્મગ્રંથ ગીતા,ભગવાન શ્રી કૃષ્ણ અને મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, વિશ્વમાં કયાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી. ફક્ત શ્રીમદ્ ભગવદ ગીતાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, અન્ય ગ્રંથો મનુષ્ય દ્વારા સંકલિત કરવામાં આવ્યા છે. પરંતુ શ્રીમદ્ ભગવદ ગીતાનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણના મોંમાંથી થયો છે.
ગીતા જયંતિનું મહત્વ
ગીતા જયંતિનું મહત્વ એટલું છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. શ્રીમદ્ ભગવદ ગીતામાં તેમના જ દ્વારા કહેવામાં આવેલા શ્લોકો છે, જે આજે પણ યથાવત વર્ણિત છે. દરેક પરિસ્થિતિમાં ધેર્યથી કામ લેવું અને જીવનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તે શીખવવામાં આવે છે. આને કારણે આજે હજારો વર્ષો બાદ ગીતા જયંતિ પ્રાસંગિક છે. ગીતા દ્વારા લોકો સારા અને ખરાબ કાર્યો વચ્ચેનો તફાવત સમજે છે.
આજે તમને લગભગ દરેક હિન્દુના ઘરે શ્રીમદ્ ભગવદ ગીતા જોવા મળશે. ઘણા ઘરોમાં તેનો નિયમિત પાઠ થતો હોય છે. સમયાંતરે તેની સાથે જોડાયેલા શ્લોકોનું મહત્વ ગીતા પાઠનું આયોજન કરીને સમજાવાયું છે, જેમાં હજારો અને લાખો લોકોની ભીડ ઉમટે છે.