Site icon Revoi.in

ભાવનગર-સોમનાથ હાઈવે પર બે સિંહને જોઈને બાઈકસવાર બે યુવાનો પટકાતા ગંભીર

Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહ અવારનવાર જોવા મળતા હોય છે. હાલ વરસાદી સિઝનમાં ખોરાકની શોધમાં સિંહ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. જેમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તાર પણ વનરાજોને ફાવી ગયો હોય તેમ આંટાફેરા વધી ગયા છે. દરમિયાન ભાવનગર-સોમનાથ હાઈવે પર જાફરાબાદના બાલાની વાવ ગામ નજીક બે સિંહ દોડી આવતા આ સમયે હાઈવે પર બાઈક પર જઈ રહેલા બે યુવાનો સિંહને જોઈને ગભરાઈ જતાં બાઈક પરથી પટકાતા બન્નેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા જાફરાબાદ પંથકને જોડતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે સિંહો અચાનક હાઇવે પર આવી જતા બાઇક પર સવાર બે યુવાનો નીચે પટકાતા ઘાયલ થયા હતા. ગંભીર હાલતમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઇક સવાર યુવાનો ઉના તરફથી રાજુલા જતા હતા. ત્યારે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક બે સિંહો અચાનક હાઇવે ઉપર આવી ગયા હતા. સિંહોને જોઇને બાઇક ચાલક ગભરાઇ જતા બાઇક ઉપરથી પડી જવાના કારણે મહેશ ઘેલુભાઈ (ઉ.વ.28) અને 35 વર્ષીય જીતુ ભીમાભાઈ ગોહિલ (ઉ.વ.35) નામના બન્ને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્થ થતા પ્રથમ રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલત વધુ ગંભીર થતા વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યા બન્નેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સિંહના કારણે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુલાના ભેરાઈ રોડ ઉપર કાર ચાલક સિંહને બચાવવા જતા કાર પલટી મારી ગઈ હતી. (file photo)