સુરેન્દ્રનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પાટડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે દૂધની ડેરી નજીક પૂરઝડપે આવેલી ટ્રક અને પાટડીથી બજાણા તરફ આવતી કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આ અકસ્માતની ઘટનામાં કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. જ્યારે આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં કારમાં સવાર બજાણા ગામના 55 વર્ષના નઝીમભાઈ હુસેનભાઇ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા એમનુ સારવાર મળે એ પહેલા જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર 26 વર્ષના પરવીન મહેબૂબભાઈ પઠાણને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બજાણા ગામના સમીર અસ્લમભાઈ રાઠોડને પણ ઈજાઓ પહોંચતા બંનેને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ મૃતક આધેડ નઝીમભાઈ હુસેનભાઇ ચૌહાણની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

