Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હવે વેક્સિન લીધી હશે તેને જ પ્રવેશ અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે, પણ લોકો ફરીવાર કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે વેક્સિનેશન ઝૂંબેશને સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકો વેક્સિનેશનના બન્ને ડોઝ સમય મુજબ લે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાથે વેક્સિન ન લેનારાને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા ન દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ હવે મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય. AMC સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરના પ્રવેશદ્વારે જ મુલાકાતીઓની તપાસ કરાશે.આ દર્દી સિવાય જે લોકોએ રસી લીધી નહીં હોય તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. આવા લોકોએ નજીકના સેન્ટર ઉપરથી રસી લેવાની રહેશે.

સૂત્રોના જમાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  01 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધી કોરોના રસીનો બીજો ડોઝ લેનારા લોકો માટે એક ડ્રો કરવામાં આવશે. આ ડ્રો બાદ કોઈ એક ભાગ્યશાળીને 60 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન આપવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદમાં અત્યાર સુધી કુલ 78 લાખ 74 હજારથી વધુ લોકોને રસીના ડોઝ અપાયા છે. જેમાં 47 લાખ 72 હજારથી વધુને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 31 લાખ 2 હજારથી વધુ લોકોને રસીના બંને ડોઝ અપાયા છે.

અમદાવાદ મ્યુનિ.ના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે જો કે બીજા ડોઝ લેવાના બાકી લોકો માટે પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.જેના પગલે બીજા ડોઝનું પણ 100 રસીકરણ ઝડપથી પૂર્ણ કરી શકાય. આ ઉપરાંત બીજા ડોઝ માટે ડોર ટુ ડોર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરાના રસીનો પ્રથમ ડોઝ રસી લેવા પાત્ર 93 ટકાએ લોકોએ લઇ લીધો છે. જ્યારે બીજો ડોઝ હજુ સુધી 70 ટકા લોકોએ લીધો છે.જેના પગલે રાજય સરકાર દ્વારા કોરોના રસી લેવા પાત્ર બાકી લોકો પ્રથમ અને બીજો ડોઝ ઝડપથી લે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.