Site icon Revoi.in

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી

Social Share

કોલકત્તા: નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મ જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે પરાક્રમ દિવસ પ્રસંગે નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશા દેશની આઝાદી માટેના તેમના બલિદાન અને સમર્પણને યાદ રાખશે. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતિ નિમિત્તે સંસ્કૃતિ મંત્રાલયે પરાક્રમ દિવસ ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.

આ પ્રસંગે વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે,મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના સાચા સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિ પર શત – શત નમન. કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશા દેશની આઝાદી માટેના તેમના બલિદાન અને સમર્પણને યાદ રાખશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને 125મી જન્મ જયંતિ ઉજવણીના ઉદ્દઘાટન પ્રસંગે સાદર નમન. તેમના અદમ્ય હિંમત અને બહાદુરીના સન્માનમાં, સમગ્ર રાષ્ટ્ર તેમની જન્મજયંતિને “પરાક્રમ દિવસ” તરીકે ઉજવી રહ્યો છે. નેતાજીએ તેમના અસંખ્ય અનુયાયીઓમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરી છે.

નેતાજીએ આપણા સૌથી પ્રિય રાષ્ટ્ર નાયકોમાં એક છે, જેમણે ભારતની આઝાદીની લડતમાં અસાધારણ યોગદાન આપ્યું છે. તેમની દેશભક્તિ અને બલિદાન આપણને હંમેશાં પ્રેરણારૂપ બનાવશે.તેમણે સ્વતંત્રતાની ભાવના પર ખૂબ ભાર મૂક્યો અને અમે તેને મજબૂત બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે, તેઓ ખરેખર સાચા નેતા હતા. અને દેશની એકતામાં ખુબ મજબૂતીથી વિશ્વાસ રાખતા હતા. આપણે નેતાજીની 125મી જન્મજયંતિ દેશનાયક દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ.

વડાપ્રધાન 23 જાન્યુઆરીએ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’સમારોહને સંબોધન કરશે. વડાપ્રધાન નેતાજીની સ્મૃતિમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ જારી કરશે. બંગાળ પ્રવાસ પર વડાપ્રધાન પણ નેતાજીના જીવન પર આધારિત કાયમી પ્રદર્શન અને ‘પ્રોજેક્શન મેપિંગ શો’ નું ઉદ્દઘાટન કરશે.

-દેવાંશી

Exit mobile version