અમદાવાદ, 5 એપ્રિલ 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. શહેરના ગોમતીપુર વોર્ડના વરિષ્ઠ કોર્પોરેટર ઈકબાલ શેખે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. ઈકબાલ શેખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પક્ષમાં પોતાની અવગણના થતી હોવાની ગંભીર ફરિયાદ કરી છે.
ઈકબાલ શેખે પોતાના રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેઓ છેલ્લા ૨૫ વર્ષથી ગોમતીપુર વોર્ડમાં કોંગ્રેસનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કાર્યરત છે અને સતત આખેઆખી પેનલને જીતાડતા આવ્યા છે. આટલી લાંબી સેવા અને સમર્પણ છતાં પક્ષમાં તેમને યોગ્ય સન્માન મળતું ન હોવાનો તેમણે રોષ વ્યક્ત કર્યો છે. પત્રમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે, પક્ષના હિતમાં તેમણે અગાઉ વિરોધપક્ષના નેતા પદનો પણ ત્યાગ કર્યો હતો.
ઈકબાલ શેખના આ આકસ્મિક પગલાને લઈને કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં અલગ-અલગ તર્કવિતર્ક થઈ રહ્યા છે. કેટલાક નેતાઓનું માનવું છે કે ઈકબાલ શેખ ‘ત્રાગુ’ કરી રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે, આગામી ચૂંટણીમાં પોતાની મનગમતી પેનલને ટિકિટ અપાવવા અને સૌથી સિનિયર હોવાના નાતે પક્ષમાં વધુ મહત્વનું સ્થાન મેળવવા માટે આ દબાણની રાજનીતિ હોઈ શકે છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે પૂર્વ વિસ્તારના એક મજબૂત અને લઘુમતી ચહેરા ગણાતા ઈકબાલ શેખનું રાજીનામું કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. જો આ વિવાદ જલ્દી ઉકેલાય નહીં તો ગોમતીપુર વોર્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસના વોટબેંક પર માઠી અસર પડી શકે છે. હાલમાં આ મામેલ પ્રદેશ નેતૃત્વ શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
વધુ વાંચો: કચ્છની દરિયાઈ સરહદે હાઈ-એલર્ટ: મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

