પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બનતાની સાથે જ મુનીરે ઈમરાન ખાનને જેલમાં મળવા આવતા મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાનમાં એક મહત્ત્વપૂર્ણ સૈન્ય નિમણૂક હેઠળ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક પછી તેમને અત્યંત અસીમ શક્તિઓ પ્રાપ્ત થઈ છે, જેનાથી દેશના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આસિમ મુનીરની આ પદ પર નિમણૂક 4 ડિસેમ્બર 2023 થી લઈને આગામી પાંચ વર્ષ માટે એટલે કે 4 ડિસેમ્બર 2030 સુધી રહેશે. આ નિર્ણયને અનેક ક્ષેત્રોમાં પાકિસ્તાનના બંધારણને નબળું પાડનારો ગણાવવામાં આવી રહ્યો છે.
CDF બનતાની સાથે જ આસિમ મુનીરે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર પોતાનો સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. તેમના આદેશ પર શાહબાઝ સરકારે જેલમાં બંધ ઇમરાન ખાનને મળવા આવતા તમામ લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં ઇમરાન ખાનના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. વિશ્લેષકોનું માનવું છે કે આ નવી નિયુક્તિ પાકિસ્તાનના રાજકારણ અને સૈન્ય સંબંધોમાં એક મોટો ફેરફાર લાવી શકે છે, જ્યાં સૈન્યના વડાઓ પરંપરાગત રીતે જ અત્યંત શક્તિશાળી રહ્યા છે.

