Site icon Revoi.in

પાકિસ્તાન બિનભરોસાપાત્ર અને વિશ્વનો સૌથી ખતરનાક દેશ: અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન

Social Share

અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. અમેરિકાની સેનામાં લાંબો સમય ઉચ્ચાધિકારી રહેલા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટના ભૂતપૂર્વ સદસ્ય મેટિસે પાકિસ્તાનને પરમાણુ હથિયારો અને ક્ટ્ટરપંથના કારણે ખતરનાક ગણાવ્યું છે.

જાન્યુઆરીમાં ટ્રમ્પ વહીવટી તંત્રમાંથી રાજીનામું આપનારા મેટિસે કહ્યુ છે કે પાકિસ્તાનનું સમગ્ર ધ્યાન ભારતમાં જ લાગેલુ છે. તે પોતાની ભૂરાજકીય બાબતોને ભારત સાથે દુશ્મનીના પ્રિઝમથી જ જોવે છે અને તેના આધારે અફઘાનિસ્તાન પર તેની નીતિને પણ આકાર આપે છે. પાકિસ્તાનની સેના કાબુલમાં એક દોસ્તીભર્યા વલણવાળી સરકાર ચાહે છે, જે ત્યાં ભારતના પ્રભાવને રોકી શકે.

મેટિસ પાસે અફઘાનિસ્તાનમાં ટોચના અમેરિકન મરીન કોર્પ્સ કમાન્ડર, યુએસ સેન્ટ્રલ કમાન્ડ પ્રમુખ અને બાદમાં સંરક્ષણ પ્રધાન તરીકે લાંબા સમયનો પાકિસ્તાન તથા દક્ષિણ એશિયાનો અનુભવ છે.

મેટિસની ઓટોબાયોગ્રાફી કોલ સાઈન કેઓસ મંગળવારે પ્રકાશિત થઈ છે. તેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે જે દેશોમાં તેમણે કામ કર્યું છે, તેમા તેઓ પાકિસ્તાનને તેના સમાજના કટ્ટરપંથ અને પરમાણુ હથિયારોના કારણે સૌથી વધુ ખતરનાક માને છે. આપણે પરમાણુ હથિયારોના ઝડપથી વધી રહેલા જથ્થાને આતંકવાદીઓના હાથમાં જવા દઈ શકીએ નહીં.

તેમણે લખ્યું છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો જથ્થો ઝડપથી વધી રહ્યો છે અને વડાપ્રધાન ઈમરાન ખાનના કેબિનેટના સદસ્ય ખુદ જ આ હથિયારોની ક્ષમતા બાબતે શેખી મારી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદે કહ્યુ હતુ કે તેમની પાસે 200 ગ્રામના હલકા પરમાણુ બોમ્બ છે, જે મર્યાદીત વિસ્તારને પોતાનું નિશાન બનાવી શકે છે.

પાકિસ્તાની નેતાઓ પર પરોક્ષ ટીપ્પણી કરતા તેમણે કહ્યુ છે કે પાકિસ્તાન પાસે એવા નેતા નથી, જે પોતાના ભવિષ્યની ચિંતા કરતા હોય. અમેરિકા-પાકિસ્તાનના સંબંધો પર મેટિસને કહ્યુ છે કે બંને દેશો વચ્ચે તીવ્ર મતભેદ અને અવિશ્વાસ રહ્યો છે. તેમણે લખ્યુ છે કે અમે પાકિસ્તાન સાથે પોતાની સમસ્યાઓને ઉકેલી શકતા હતા. પરંતુ અમારી વચ્ચે મતભેદ અને અવિશ્વાસ ઘણો વધી ચુક્યો હતો.

મેટિસે કહ્યુ છે કે ભરોસાની ઉણપને કારણે જ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મે-2011માં ઓસામા બિન લાદેનને ઠાર કરતી વખતે પાકિસ્તાનને તેની જાણકારી આપી ન હતી. મેટિસ તે સમયે યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ હતા.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી લાંબો સમય સુધી ચાલનારા અફઘાનિસ્તાન યુદ્ધમાંથી બહાર નીકળવા ચાહે છે અને તાલિબાન સાથે શાંતિ સમજૂતીમાં પાકિસ્તાનની મદદ વાંછી રહ્યા છે. ઈમરાન ખાન પણ અમેરિકા સાથે સંબંધ સુધારવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ મેટિસ લખે છે કે આજે પણ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે તે અવિશ્વાસની સ્થિતિ યથાવત છે.

Exit mobile version