સાયક્લોન દિત્વાહથી ભારે નુકસાન વેઠી રહેલા શ્રીલંકામાં માનવીય સંકટ વધુ ગંભીર બન્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલી રાહત સામગ્રી પર મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. સ્થાનિક રાજકીય પક્ષો અને સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન દ્વારા મોકલાયેલી માનવીય મદદમાં મોટા પ્રમાણમાં એક્સપાયરી માલ સામેલ હતું.
શ્રીલંકાના વિરોધ પક્ષો અને સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે, પાકિસ્તાનની રાહત સામગ્રીનો એક મોટો ભાગ પહેલેથી જ એક્સપાયર થઈ ચૂક્યું હતું, જેને અસરગ્રસ્ત લોકોને વિતરણ કરતા પહેલા જ દૂર કરવો પડ્યો છે. નેતાઓએ પાકિસ્તાનની આ હરકતને “સંકટના સમયમાં અણસમજદાર અને ખતરનાક” ગણાવી છે. તેમણે પાકિસ્તાન પાસે સ્પષ્ટીકરણ, જવાબદારી અને એક્સપાયરી સામગ્રીને તરત બદલવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર #Negligence હેશટૅગ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યો છે, જ્યાં હજારો યુઝર્સ પાકિસ્તાની ‘મદદ’ની ટીકા કરી રહ્યા છે.
સાયક્લોન દિત્વાહે શ્રીલંકામાં ભયાનક પરિસ્થિતિ સર્જી છે. જેમાં 334 લોકોના મોત થયાં છે જ્યારે 370 વ્યક્તિ ગુમ થઈ છે. જ્યારે 11 લાખથી વધુ લોકો પ્રભાવિત થયાં છે. એટલું જ નહીં બે લાખથી વધુ લોકો શેલ્ટરમાં રહેવા મજબુર બન્યાં છે. આ ભયાનક સ્થિતિ વચ્ચે ભારતે “ઓપરેશન સાગર બંધુ” અંતર્ગત 53 ટન રાહત સામગ્રી મોકલી છે, જેમાં ટેન્ટ, દવાઓ, રેડી-ટુ-ઈટ ફૂડ, તિરપાલ, મેડિકલ ટીમ અને NDRFની ખાસ યુનિટનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આ જ રાહત-ફ્લાઇટને ભારતે ફક્ત ચાર કલાકની અંદર પોતાના એરસ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાને બપોરે 1 વાગ્યે ઓવરફ્લાઇટ રિક્વેસ્ટ મોકલી હતી, જેને ભારતે “માનવીય આધાર” પર તરત જ મંજૂર કરી દીધી હતી.

