નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હવે પાકિસ્તાન ફરી એકવાર સક્રિય થયું છે. પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફની પાર્ટી (PML-N) ના નેતા કામરાન સઈદ ઉસ્માનીએ ભારતને સીધી ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો છે. ઉસ્માનીએ દાવો કર્યો છે કે જો ભારત બાંગ્લાદેશ પર દબાણ લાવશે અથવા હુમલો કરશે, તો પાકિસ્તાન પોતાની પૂરી સૈન્ય તાકાત અને મિસાઈલો સાથે ઢાકાની રક્ષા માટે ઊભું રહેશે.
સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ઝંડા સાથે વીડિયો પોસ્ટ કરતા ઉસ્માનીએ કહ્યું કે, “આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન એક સાથે છે. હું બાંગ્લાદેશને કોઈ દેશની કોલોની બનવા દઈશ નહીં. ત્યાં કોઈની દાદાગીરી સ્વીકારવામાં આવશે નહીં.” તેણે ભારતીય રાજનેતાઓ પર આક્ષેપ કર્યો હતો કે, તેઓ બાંગ્લાદેશનું પાણી રોકીને કે મુસલમાનોને અંદરોઅંદર લડાવીને તેમને ગુલામ રાખવા માંગે છે.
- ઉસ્માન હાદીના મોતને શહીદી ગણાવી ઉશ્કેરણી કરી
પાકિસ્તાની નેતાએ તાજેતરમાં માર્યા ગયેલા બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તમે ઉસ્માન હાદીને શહીદ કરી દીધો પણ તેની વિચારધારાને નહીં. હવે બાંગ્લાદેશનો બાળક-બાળક ઉસ્માન હાદી છે.” તેણે વધુમાં ઉમેર્યું કે બાંગ્લાદેશની જનતાએ હવે ભારતીય પ્રભુત્વને સંપૂર્ણપણે નકારી દીધું છે.
કામરાન સઈદ ઉસ્માનીએ મે 2025 ના સંઘર્ષ અને ‘ઓપરેશન બુન્યાન અલ મરસૂસ’ નો ઉલ્લેખ કરીને શેખી મારી હતી કે પાકિસ્તાને અગાઉ પણ ભારતને નાકે દમ લાવી દીધો હતો અને જરૂર પડશે તો ફરીથી મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં AMTS દ્વારા હાઈટેક વાતાનુકૂલિત ઈલેક્ટ્રિક બસો દોડાવાશે

