Site icon Revoi.in

પાકિસ્તાની સેનાના ટીકાકાર પાકિસ્તાની બ્લોગર-પત્રકારની હત્યા, આઈએસઆઈની નિંદા બની હત્યાનું કારણ

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સેના અને જાસૂસી સંસ્થા આઈએસઆઈની ટીકા કરવા બદલ 22 વર્ષીય પાકિસ્તાની બ્લોગર અને પત્રકારની કેટલાક અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી છે. પાકિસ્તાની અખબારે પોલીસને ટાંકીને જણાવ્યું છે કે મોહમ્મદ બિલાલ ખાન પોતાના મિત્રની સાથે હતો, ત્યારે તેને એક ફોન આવ્યો હતો અને તેના પછી એક વ્યક્તિ રવિવારે રાત્રે તેને નજીકના જંગલમાં લઈને ગયો હતો.

મોહમ્મદ બિલાલ ખાનના ટ્વિટર પર 16 હજાર, યૂટ્યૂબ પર 48 હજાર અને ફેસબુક પર 22 હજાર ફોલોવર્સ છે. પોલીસ અધિક્ષક સદ્દાર મલિક નઈમે કહ્યુ છે કે શકમંદે હત્યા માટે છરાનો ઉપયોગ કર્યો હતો. કેટલાક લોકોએ બંદૂક ચાલવાનો પણ અવાજ સાંભળ્યો હતો. ખાનનો મિત્ર પણ ગંભીરપણે ઘવાયો છે. બ્લોગર અને પત્રકાર મોહમ્મદ બિલાલ ખાનની હત્યા બાદ હેશટેગ જસ્ટિસ ફોર મોહમ્મદ બિલાલ ખાન સોશયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.

ઘણાં ટ્વિટર યૂઝર્સે કહ્યુ છે કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈના ટીકાકાર હોવાને કારણે તેની હત્યા કરવામાં આવી છે. એક વ્યક્તિએ ટ્વિટ કર્યું છે કે પાકિસ્તાન પત્રકાર મોહમ્મદ બિલાલ ખાનની ઈસ્લામાબાદમાં રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ખાને પાકિસ્તાની સેના અને આઈએસઆઈના ટીકાકાર તરીકે ઓળખવામાં આવતો હતો.

મૃતકના પિતાએ કહ્યુ છે કે તેમના પુત્રના શરીર પર કોઈ ધારદાર હથિયારના નિશાન હતા. આના સંદર્ભે આતંકવાદ વિરોધી કાયદા સહીત વિભિન્ન કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. ખાનના પિતાએ કહ્યુ છે કે આ ઘટનાએ લોકોમાં ભય પેદા કર્યો છે.