Site icon Revoi.in

ISIની ભારતમાં ઘૂસણખોરી માટે નવી ચાલ, નેપાળમાં પાકિસ્તાન ખોલી રહ્યુ છે નેશનલ ડિફેન્સ કોલેજ!

Social Share

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ નેપાળની સેનામાં ચુપચાપ નવી રીતે ઘૂસણખોરી કરવાની કોશિશમાં લાગેલી છે. તેના માટે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને પાકિસ્તાનની સેના નેપાળના પાટનગર કાઠમંડૂ ખાતે નેશનલ ડિફેન્સ કોલેજ બનાવવા જઈ રહી છે. ચીનની તર્જ પર પાકિસ્તાન નેપાળની સાથે ઘનિષ્ઠતા વધારવાની કોશિશોમાં લાગેલું છે, જેથી તેઓ નેપાળમાં ભારતના પ્રભાવને ઘટાડી શકે.

પુલવામા એટેક બાદ એરસ્ટ્રાઈકમાં ધોબીપછાડ ખાધા બાદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ભારતની વિરુદ્ધ નવા ષડયંત્રમાં લાગી ગઈ છે. ઈન્ટેલિજન્સ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ નેપાળની સેનામાં ચુપચાપ નવી પદ્ધતિથી ઘૂસણખોરી કરવાની કોશિશમાં લાગેલી છે. તેના માટે આઈએસઆઈ અને પાકિસ્તાની સેના કાઠમંડૂ ખાતે નેશનલ ડિફેન્સ કોલેજ બનાવી રહી છે.

સુરક્ષા વિભાગના સૂત્રો મુજબ, કાઠમંડૂ ખાતે પાકિસ્તાન દ્વારા નેશનલ ડિફેન્સ કોલેજ બનાવવાનો ઉદેશ્ય નેપાળની સેનામાં પોતાની પહોંચને મજબૂત બનાવવાનો છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ પ્રમાણે, બીજી તરફ કાઠમંડૂ ખાતે પાકિસ્તાની હાઈકમિશન ભારત વિરોધી પ્રોપગેન્ડા પણ ચાલી રહ્યું છે.

સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે પાકિસ્તાન અને નેપાળની વચ્ચે નેશનલ ડિફેન્સ કોલેજ બનાવવા માટે ગત કેટલાક દિવસોમાં ઘણાં તબક્કાની બેઠકો થઈ ચુકી છે. પાકિસ્તાન ગત કેટલાક વર્ષોમાં નેપાળની સાથે પોતાના સંબંધોને સતત મજબૂત કરવામાં લાગેલું છે. તેના દ્વારા પાકિસ્તાન નેપાળમાં ભારતના વર્ચસ્વને તોડવાની કોશિશમાં છે. તાજેતરમાં એક ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન, નેપાળમાં ભારત વિરોધી અને આતંકી જૂથોને મદદ કરવામાં લાગેલું છે. તેનાથી આંતકવાદી નેપાળ અને ભારતની ખુલ્લી સરહદનો ફાયદો ઉઠાવીને ભારતના વિસ્તારોમાં દાખલ થઈ શકે છે.

ગત વર્ષ ઓગસ્ટમાં મીડિયા અહેવાલમાં દાવો કરાયો હતો કે નેપાળ દ્વારા આતંકી મોડયૂલને બનાવવાનું કામ આઈએસઆઈસ સતત કરી રહી છે. ઈન્ટેલિજન્સ સૂત્રો પ્રમાણે, નેપાળના મોરંગ જિલ્લામાં લશ્કરે તૈયબાનો શકમંદ મૌલાના ઉમર મદની નવા મોડ્યુલ બનાવીને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં જોતરાયેલો છે. ઈન્ટેલિજન્સ સૂત્રો પ્રમાણે મૌલાના મદની, લશ્કરે તૈયબા સાથે સંકળાયેલો છે અને તે નેપાળ એજ્યુકેશનલ એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ પુરજોરથી કરી રહ્યો છે. ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા ગૃહ મંત્રાલયને આપવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડરની નજીકના કેટલાક નેપાળી જિલ્લાઓમાં મૌલાના ઉમર મદની પોતાની એનજીઓ દ્વારા વિદેશી ફંડ મંગાવી રહ્યો છે. આ ફંડનો ઉપયોગ તે બોર્ડર એરિયામાં રહેતા નિર્દોષ યુવાનોના બ્રેનવોશ કરીને તેમને લશ્કરે તૈયબામાં સામેલ કરવા માટે કરી રહ્યો છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એ વાત તરફ પણ ઈશારો કર્યો છે કે કેવી રીતે નેપાળના રુટથી વિદેશી નાણાં નેપાળની એનજીઓમાં જઈ રહ્યા છે. આ એનજીઓનો ઉપયોગ ઉમર મદની મુસ્લિમ યુવાનોને લશ્કરે તૈયબામાં સામેલ કરવા માટે કરી રહ્યો છે. એટલું જ નહીં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્ય છે કે કતરથી નાણાં નેપાળના માર્ગે આવી રહ્યા છે, તેનો ઉપયગો ભારતની બોર્ડર પર રહેલી મસ્જિદોના મૌલવીઓને આપીને ખોટી ગતિવિધિઓમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે આતંકવાદને પનાહ આપનારા પાકિસ્તાન માટે 1751 કિલોમીટર લાંબી ભારત અને નેપાળ વચ્ચેની ખુલ્લી સરહદ સૌથી વધુ લાભકારક છે. તેના કારણે ખૂંખાર આતંકી વાઘા અથા અન્ય બોર્ડરના સ્થાને નેપાળના રુટને વધારે મહત્વ આપી રહ્યા છે. જો કે એસએસબી ભારત-નેપાળની બોર્ડર પર સુરક્ષા માટે તેનાત છે અને ઘણીવાર ઘૂસણખોરી કરનારા ઘણાં આતંકીઓને ઝડપવામાં પણ આવ્યા છે. પરંતુ ચીન બાદ પાકિસ્તાનની નેપાળમાં વધી રહેલી દખલગીરીને કારણે ભારતને સાવધાન રહેવાની વિશેષ જરૂરત છે.