ઈસ્લામાબાદ, 5 એપ્રિલ 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભડકાઉ નિવેદન આપ્યું છે. સિયાલકોટમાં પત્રકારો સાથે વાતચીત કરતા આસિફે ભારતને ધમકી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થશે તો પાકિસ્તાનનો પ્રતિસાદ માત્ર સીમા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેઓ ભારતના પૂર્વી મહાનગર કોલકાતા સુધી હુમલો કરી શકે છે. પાકિસ્તાન તરફથી આવેલું આ નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ ઘોળે તેવું મનાય છે.
ખ્વાજા આસિફે કોઈ પણ પુરાવા વગર દાવો કર્યો હતો કે ભારત એક ‘ફોલ્સ ફ્લેગ ઓપરેશન’ની યોજના બનાવી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ભારત પોતાના જ લોકો અથવા અટકાયતમાં રહેલા પાકિસ્તાનીઓનો ઉપયોગ કરીને કોઈ ઘટનાને અંજામ આપી શકે છે અને ત્યારબાદ તેનો દોષનો ટોપલો પાકિસ્તાન પર ઢોળી શકે છે. આસિફે કહ્યું કે, “અમારી પાસે એવી માહિતી છે કે ભારત જૂઠા અભિયાન હેઠળ કેટલાક મૃતદેહો ક્યાંક ફેંકીને એવું કહી શકે છે કે તેઓ આતંકવાદી હતા, પરંતુ જો ભારત આવું કોઈ દુઃસાહસ કરશે તો પાકિસ્તાન કોલકાતામાં હુમલો કરીને જવાબ આપશે.” પાકિસ્તાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં જ પડોશી દેશને નામ લીધા વગર આકરી ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે ભારત સામેના કોઈ પણ દુઃસાહસનો જવાબ અભૂતપૂર્વ અને નિર્ણાયક રીતે આપવામાં આવશે. ભારતની આ મજબૂત રણનીતિથી પાકિસ્તાની શાસકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાન તરફથી ભારતને ધમકી આપવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિતે પણ કહ્યું હતું કે જો અમેરિકા ક્યારેય પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવશે, તો પાકિસ્તાન પાસે ભારત પર હુમલો કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય. તેમણે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોને નિશાન બનાવવાની વાત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની કડવાશ છેલ્લા એક વર્ષમાં સતત વધી રહી છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ થયેલા પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે સતત ચાર દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો હતો. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં સીમા પરની સ્થિતિ અને બંને પક્ષોના નિવેદનો જોતા દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવા સામે મોટા પડકારો ઉભા થયા છે.
વધુ વાંચો: AAPમાં આંતરિક બળવો: રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદેથી હટાવ્યા બાદ વીડિયો વોર તેજ

