Site icon Revoi.in

પતિની તલાકની ધમકીથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

Social Share

લખનૌ: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની ઇંદિરાનગર વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતાએ પતિ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી ત્રસ્ત થઈને પોતાના પિયરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક નાજિયા ઇસ્માઇલ શેખે મૃત્યુ પહેલા અંદાજે ચાર મિનિટનો એક ભાવુક વિડિઓ બનાવ્યો હતો, જેમાં તેણીએ પોતાના પતિ ઇસ્માઇલને તેના મોત માટે જવાબદાર ઠેરવ્યો છે. આ વિડિઓમાં નાજિયા રડતી હાલતમાં કહે છે કે, “હું તલાક નથી આપી શકતી, પણ જીવ આપી શકું છું.”

પ્રાપ્ત માહિતી અનુસાર, નાજિયાના નિકાહ વર્ષ 2022માં સિદ્ધાર્થનગર જિલ્લાના રહીશ ઇસ્માઇલ સાથે થયા હતા. લગ્ન પછીથી જ ઇસ્માઇલ અને તેના પરિવારજનોએ દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. હાલ ઇસ્માઇલ મુંબઈમાં રહે છે અને ત્યાં પરિવાર સાથે વેપાર કરે છે.

9 ઑક્ટોબરથી નાજિયા પોતાના પિયર ગોંડા આવી હતી જ્યાં એક લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે આવી હતી. તે દરમિયાન પણ પતિ દ્વારા ફોન અને મેસેજ મારફતે તેને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને તલાક માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. અંતે, સતત સતામણી અને તલાકના દબાણથી કંટાળીને, નાજિયાએ પોતાના ઓરડામાં પોતાને બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો.

મૃતકના પિતા ઉસ્માન શેખે પોલીસ સમક્ષ ઇસ્માઇલ વિરુદ્ધ ત્રાસની લેખિત ફરિયાદ દાખલ કરી છે. હાલ વાયરલ થયેલા વિડિઓ અને પિતાની ફરિયાદના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.