Site icon Revoi.in

પાટણ પાલિકા વીજળી બિલ પણ ભરી શકતી નથી, 3.50 કરોડના બાકી બિલની ચુકવણી માટે લોન લેશે

Social Share

પાટણઃ નગરપાલિકાનું કરોડો રૂપિયાની વીજબિલ બાકી છે. અને ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અવાર-નવાર રિમાન્ડર મોકલવામાં આવે છે. નગરપાલિકાના સત્તધીશો દ્વારા બાકી વેરાની વસુલાત માટે ઝૂંબેશ ચલાવીને વીજબિલની બાકી રકમ ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વીજબિલની ચડત રકમ રૂપિયા 3.50 કરોડની છે, જો કે 58 લાખ ભરી દેવામાં આવ્યા છે. દર મહિને સરેરાશ વીજબિલ 70 લાખ જેટલું આવે છે. જેથી બાકી વીજબિલ ભરવા માટે નગરપાલિકાએ સરકાર પાસે લોનની માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ નગરપાલિકાનું દર મહિને અંદાજિત રૂપિયા 70 લાખનું લાઈટ બિલ આવે છે. અને અગાઉ કોરોનાના સમયમાં નગરપાલિકામાં આવક ઓછી હોવાના કારણે અંદાજિત રૂપિયા 3.50 કરોડની રકમનું વીજબીલ યુજીવીસીએલને ચૂકવવા બાકી છે. પાટણ નગરપાલિકાના સત્તાધિશોએ વીજ ભારણ ઘટાડવા શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલા ફિલ્ટર વોટર પ્લાન્ટ ખાતે રૂફટોપ સિસ્ટમ કાર્યરત બનાવી દર મહિને વીજ બિલમાં  અંદાજીત 2 લાખ જેટલો ઘટાડો કરી શકાયો છે. પરંતુ બાકી વીજ બિલ ચુકવવા આર્થિક સમસ્યા નડી રહી છે.

પાટણ નગરપાલિકાના સૂત્રોએ કહેવા મુજબ નગરપાલિકાનું દર મહિને આવતું વીજબીલ અંદાજિત રૂપિયા 70 લાખ જેટલું હોય અને અગાઉના પણ 3.50 કરોડ રૂપિયાની રકમ વીજ બિલ પેટે બાકી હોય જેને ધ્યાનમાં રાખીને હાલમાં નગરપાલિકામાં એડવાન્સ વેરા વસુલાતની કામગીરીમાં આવતી રકમમાંથી યુજીવીસીએલને રૂપિયા 58 લાખનો ચેક વીજ બિલ પેટે જમા કરાવવામાં આવ્યો હતો. આ સિવાય અગાઉના વીજ બિલ પેટે રૂ. 3.50 કરોડની રકમ જમા કરાવવા પાલિકા દ્વારા સરકાર પાસેથી વગર વ્યાજની લોન મેળવવા દરખાસ્ત કરવામાં આવી છે. હાલ લોકસભાની ચૂંટણી બાદ સરકાર પાસેથી વગર વ્યાજની લોન મળશે. એટલે ઉત્તર ગુજરાત વીજ કંપનીનું બાકી દેણું ચૂકવી દેવામાં આવશે.