Site icon Revoi.in

મોદી સરકારે છ કરોડ લોકોને આપી મોટી ગિફ્ટ, પીએફ પર વ્યાજદરમાં કર્યો વધારો

Social Share

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરિયાત વર્ગના લોકોને મોટી ભેંટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજદરમાં વધારો કર્યો છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજદર 8.65 ટકા કરવામાં આવ્યું છે. આ પહેલા ઈપીએફઓએ 2017-18માં પોતાના ખાતેદારોના પીએફ પર 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. આ હિસાબથી પીએફમાં 0.10 ટકાનો વધારો થયો છે.

સરળ ભાષામાં સમજીએ, તો નોકરિયાત વર્ગને પીએફ પર સરકાર હવે પહેલાના કરતા વધુ વ્યાજ આપશે. તેનો ફાયદો છ કરોડ નોકરિયાતોને થવાનો છે.

સીબીટી એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની ગુરુવારની બેઠકમાં આના સંદર્ભે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બોડી જ પીએફ પર વ્યાજદરની ભલામણ કરે છે. બોર્ડની મંજૂરી બાદ હવે પ્રસ્તાવને નાણાં મંત્રાલયની સંમતિની જરૂરિયાત રહેશે.

શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કહ્યુ છે કે ઈપીએફઓના ટ્રસ્ટીઓને સીબીટીના તમામ સદસ્યોએ અહીં એક બેઠકમાં આના સંદર્ભે નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ છે કે હવે આ પ્રસ્તાવને નાણાં મંત્રાલયની પાસે મોકલવામાં આવશે. નાણાં મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ વ્યાજને ગ્રાહકોના ખાતામાં ઉમેરવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે ઈપીએફઓએ 2017-18માં પોતાના ખાતેદારોને પીએફ પર 8.55 ટકા વ્યાજ આપ્યું છે. આ ગત પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. જો 2016-17ની વાત કરીએ, તો પીએફ પર 8.65 ટકા વ્યાજદર હતો. એટલે હવે ફરી એકવાર પીએફ પર 2016-17માં મળતું હતું, તે દરે વ્યાજ પ્રાપ્ત થશે. 2015-16માં 8.8 ટકા વ્યાજ મળતું હતું. તેના સિવાય 2013-14 અને 2014-15માં વ્યાજદર 8.75 ટકા હતો.

મહત્વપૂર્ણ છે કે આગામી કેટલાક મહીનાઓમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સરકાર તરફથી નોકરિયાત અને ખેડૂતોને લોભાવવા માટે ઘણાં મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નિશ્ચિત રકમ આપવાનું એલાન કવામાં આવ્યું છે, તો પંદર હજાર રૂપિયાથી ઓછી કમાણી કરનારા મજૂર વર્ગના લોકો માટે પેન્શન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.