Site icon Revoi.in

અથાણાની સીઝન ટાણે જ મરી-મસાલાના ભાવમાં વધારો થતાં હવે અથાંણાનો સ્વાદ મોંઘો પડશે

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. હાલ અથાણાની સીઝન ચાલી રહી છે. ત્યારે રાજાપુરી કેરી અને મરી-મસલાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હોવાથી આ વર્ષે અથાણાંનો સ્વાદ પણ મોંઘો પડશે.
ગુજરાતમાં ઇંધણના ભાવ વધ્યા બાદ મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. દરેક ચીજવસ્તુઓ મોંઘી બની છે. અથાણાં બનાવવાની સિઝન ચાલી રહી છે. જે પ્રમાણે દરેક ખાદ્યચીજોનો ભાવ વધ્યા છે, તે જોતાં આ વર્ષે ગૃહિણીઓને વર્ષભરના અથાણાં બનાવવાના મોંઘા પડી રહ્યા છે. અથાણાં માટે ઉપયોગમાં લેવામાં આવતા મરી-મસાલાની કિંમતના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. તેલ પણ મોંઘું થઇ ગયું છે, રાજાપુરી કેરીના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે અથાણાંનો સ્વાદ પણ મોંઘો પડશે.
આ વખતે કમોસમી વરસાદને કારણે બજારમાં અથાણાં બનાવવાની કેરીનું આગમન મોડું થયું હતું. જેના લીધે અથાણાં બનાવવાની સીઝન એપ્રિલના મધ્યથી શરૂઆત થઇ હતી. સુરતમાં અનેક મહિલાઓ અથાણાં બનાવવાના ધંધા સાથે સંકળાયેલી છે. જેઓનું માનવું છે કે અથાણાંમાં ગુણવત્તા મામલે બાંધછોડ કરી શકાય તેમ નથી. મસાલા તો જે પ્રમાણમાં અથાણાંના જથ્થામાં જરૂર રહે છે તે નાખવા પડે છે. આ કારણોસર અનેક પરિવારોએ અથાણાંના જથ્થામાં કપાત મૂક્યો છે. બે કિલો બનાવતા હોય તે એક કિલો પર આવ્યા છે.
મસાલા વ્યવસાય સાથે સંકલાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં દરેક પ્રકારના મસાલા મળે છે. હિંગની જ વાત કરીએ તો હિંગ અફઘાનિસ્તાનથી આવે છે. ત્યાં સરકારમાં તાલિબાન શાસક આવ્યા બાદ હિંગની આવક લગભગ બંધ જેવી થઇ છે. આ તરફ તઝાકિસ્તાન અને ઇરાનથી આવતી હિંગના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે લોકોને હિંગ મોંઘી પડી રહી છે. અથાણાંની કેરી બજારમાં આવે તે પહેલાં જ લગભગ તમામ મરચું, હળદર સહિતના ભાવ વધતા અથાણાંમાં વપરાતા તૈયાર મસાલાની કિંમત મોંઘી થઇ છે. સામાન્ય રીતે દર વર્ષે પાંચથી સાત ટકાનો ભાવ વધતો હોય છે આ વર્ષે મસાલાના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે.