Site icon Revoi.in

ઈરાકના કરબલામાં મુહર્રમ જુલૂસમાં નાસભાગથી 31ના મોત

Social Share

ઈરાકના શહેર કરબલાના એક મુખ્ય ધર્મસ્થાન પર નાસભાગની દુર્ઘટનામાં 31 શિયા શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. મુહર્રમ દરમિયાન બનેલી આ ઘટનામાં લગભગ 100 જેટલા લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે.

શ્રદ્ધાળુ આશુરના જુલૂસ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે નાસભાગ મચી અને ભીડ બેકાબૂ થઈ હતી. મુહર્રમના દિવસે હજારો લોકો આ પવિત્ર શહેરમાં ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થવા માટે એકઠા થયા હતા. જે સ્થાન પર દુર્ઘટના થઈ છે, તે સ્થાન બગદાદથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલું છે.

મુહર્રમના 10મા દિવસને રોજ-એ-આશુરા કહેવામાં આવે છે. સૌથી મહત્વનો દિવસ હોય છે. 1400 વર્ષ પહેલા મુહર્રમના મહીનાની દશમી તારીખે જ ઈમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા હતા. તેમના ગમમાં મુહર્રમના દશમા દિવસે તાજિયા કાઢવામાં આવે છે.

તાજેતરના વર્ષોમાં આશૂરા જુલૂસો પર સુન્ની ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. મંગળવારે બધું સામાન્યપણે ચાલી રહ્યું હતું, ત્યારે એક પગદંડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લોકો ઈમામ હુસૈનના મકબરા તરફ આગળ વધી રહ્યા હતા.

ઈમામ હુસૈન અને તેમના 72 સાથીદારોની કુરબાનીની યાદમાં જ મુહર્રમ મનાવવામાં આવે છે. મુહર્રમ શિયા અને સુન્ની બંને સમુદાયના લોકો માને છે. જો કે તેને મનાવવાની રીતરસમ બંને સમુદાયોની અલગ-અલગ છે.