Site icon Revoi.in

છત્રપતિ શિવાજીની જન્મજયંતિ, PM મોદી, CM ઠાકરે સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Social Share

આજે છત્રપતિ શિવાજીની જન્મજયંતિ છે.ત્યારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શુક્રવારે અહીં યોજાયેલા શિવ જયંતિ કાર્યક્રમમાં કહ્યું હતું કે, મરાઠા સમ્રાટ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજીએ ગોવામાં હિન્દુ સંસ્કૃતિને જાળવવામાં મદદ કરી હતી. સાવંતે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા માટેના આહવાનની જેમ મરાઠા રાજા સમાન સિદ્ધાંતોમાં માનતા હતા. નિર્દયી જુલમ શાસકો સામે લડવાના તે દિવસોમાં સ્થાનિક રીતે બનાવવામાં આવતા શસ્ત્રોનો જ ઉપયોગ થતો હતો.

સાવંતે કહ્યું કે,મહારાષ્ટ્રમાં જ નહીં, છત્રપતિ શિવાજી મહારાજે ગોવામાં પણ હિન્દુ ધર્મ અને સ્વધર્મની કલ્પનાને જાળવી રાખવા પ્રયત્નો કર્યા હતા. હિન્દુ ધર્મ અને સ્વધર્મ બચાવવામાં શિવાજી મહારાજ અને સંભાજી મહારાજનો સૌથી મોટો ફાળો છે. ધર્મ પરિવર્તનના સમયે હિન્દુ સંસ્કૃતિને જાળવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શુક્રવારે પૂણે જિલ્લાના જુન્નર તહસીલમાં શિવનેરી કિલ્લાની મુલાકાત લઈને છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા. મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ પૂણે નજીકના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમની ગણતરી દેશના મહાન શાસકોમાં થાય છે.

આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રવાદના જીવંત પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજે પોતાની અદ્રિતીય બુદ્ધિમતા,આશ્ચર્યજનક હિંમત અને ઉત્તમ વહીવટી કુશળતાથી સુશાસનની સ્થાપના કરી હતી. તેમની અગમચેતીથી તેમણે એક મજબૂત નોસેના બનાવી અને ઘણી લોક કલ્યાણ નીતિઓ શરૂ કરી હતી. એવા રાષ્ટ્રગોરવને કોટી કોટી વંદન.

-દેવાંશી