Site icon Revoi.in

પીએમ મોદી આજે પૂર્વી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ખુર્જા-ભાઉપુર સેક્શનનું ઉદ્દઘાટન કરશે

Social Share

દિલ્લી: કૃષિ કાયદાને લઈને ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધુ એક ભેટ આપવા જઇ રહ્યા છે. અગાઉના દિવસોમાં 100મી કિસાન રેલ ચલાવવામાં આવી હતી, ત્યારબાદ આજે પીએમ મોદી પૂર્વી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ખુર્જા-ભાઉપુર સેક્શનનું ઉદ્દઘાટન કરશે. આ સિવાય પીએમ મોદી પ્રયાગરાજમાં એક કંટ્રોલ સેંટરની પણ શરૂઆત કરશે. દેશનો આ સૌથી ભવ્ય ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો કંટ્રોલ રૂમ હશે.

પીએમ મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રેલવેનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે.

આ કોરિડોર આશરે 5 હજાર 750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. કાનપુર નજીક નવા ભાઉપુર અને નવા ખુર્જા વચ્ચે બનેલા આ કોરિડોરની લંબાઈ 351 કિલોમીટર છે.

ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઉદ્દઘાટનથી યાત્રી ટ્રેનો માટે ટ્રેક ખાલી હશે,જેનાથી વધુ ટ્રેનો દોડાવવામાં આવશે. આની સાથે આ કોરિડોર પર માલ ગાડીઓ 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

પૂર્વીય ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની લંબાઈ પંજાબના લુધિયાણા અને પશ્ચિમ બંગાળના દંકુની સુધીની છે. પંજાબ,હરિયાણા,ઉત્તરપ્રદેશ,બિહાર,ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થતા આ કોરિડોરથી વ્યાપારને નવી દિશા મળશે. કેટલાંક રાજ્યોમાંથી પસાર થતા આ કોરિડોરનો લગભગ 57 ટકા ભાગ યુપીમાંથી પસાર થશે.