Site icon Revoi.in

વડાપ્રધાન 10 ઓગસ્ટે ઉજ્જવલા 2.0નો શુભારંભ કરશે

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2021ના રોજ બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહોબા ઉત્તરપ્રદેશમાં એલપીજી કનેક્શન આપીને ઉજ્જવલા 2.0 (વડાપ્રધાન ઉજ્જવલા યોજના-પીએમયુવાય)નો શુભારંભ કરશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ઉજ્જવલાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધિત પણ કરશે.

ઉજ્જવલા 1.0થી ઉજ્જવલા 2.0 સુધીની સફર

2016માં લોન્ચ કરાયેલ ઉજ્જવલા 1.0 દરમિયાન બીપીએલ પરિવારોની 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. તેના પછી, યોજનાનો વિસ્તાર એપ્રિલ 2018માં સાત અન્ય શ્રેણીઓ (એસસી/એસટી, પીએમએવાય, એએવાય, સૌથી પછાત વર્ગ, ચાના બગીચા, વનવાસી, દ્વિપ સમૂહ)માંથી મહિલાઓ લાભાર્થીઓને સામેલ કરવા માટે થયો હતો. આ સાથે જ લક્ષ્યને સંશોધિત કરીને 8 કરોડ એલપીજી કનેક્શન કરાયું હતું. આ લક્ષ્ય તારીખના સાત મહિના અગાઉ ઓગસ્ટ 2019માં હાંસલ કરવામાં આવ્યું હતું.

નાણાકીય વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં પીએમયુવાય યોજના અંતર્ગત એક કરોડ વધારાના એલપીજી કનેક્શનની જોગવાઈની ઘોષણા કરવામાં આવી હતી. આ એક કરોડ વધારાના પીએમયુવાય કનેક્શન (ઉજ્જવલા 2.0 અંતર્ગત)નો ઉદ્દેશ એ ઓછી આવક ધરાવતા પરિવારોને ડિપોઝીટ વિના એલપીજી કનેક્શન પ્રદાન કરવાનો છે, જેમને પીએમયુવાયના પ્રથમ તબક્કા અંતર્ગત કવર કરી શકાય તેમ નહોતું.

ડિપોઝીટ વિના એલપીજી કનેક્શનની સાથે, ઉજ્જવલા 2.0 લાભાર્થીઓને પ્રથમ રિફિલ અને હોટપ્લેટ મફત પ્રદાન કરવામાં આવશે. આ સાથે નામાંકન પ્રક્રિયા માટે ઓછામાં ઓછી કાગળ પરની કાર્યવાહીની જરૂર પડશે. ઉજ્જવલા 2.0માં પ્રવાસીઓને રાશન કાર્ડ કે એડ્રેસ પ્રૂફ આપવાની જરૂર નહીં પડે. ફેમિલી ડિક્લેરેશનઅને પ્રૂફ ઓફ એડ્રેસબંને માટે સેલ્ફ ડિક્લેરેશન પર્યાપ્ત રહેશે. ઉજ્જવલા 2.0 એલપીજી સુધી સાર્વત્રિક પહોંચના વડાપ્રધાનના વિઝનને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રી અને ઉત્તરપ્રદેશા મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.