Site icon Revoi.in

ચિલોડા-દેહગામ હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે કારને અડફેટે લેતા પોલીસ હેડક્વાટરના ASIનું મોત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ચિલોડા-દહેગામ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે આવેલી ટ્રકે કારને અડફેટે લેતા કારમાં મુસાફરી કરી રહેલા પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર ફુલચંદભાઈ નાઈનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની કારને ચીલોડા દહેગામ હાઇવે ઉપર ટ્રકે ટક્કર મારતા આ અકસ્માતમાં એએસઆઇનું ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નિપજ્તા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.. ગાંધીનગર પોલીસ લાઇન બ્લોક નંબર સી/4 મકાન નંબર – 1919 માં રહેતા મૂળ મોટી આદરજ ગામના વતની ફુલચંદ ચુનીલાલ નાઈ પોલીસ હેડ કવાર્ટર ખાતે એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. જેઓનો નોકરીનો પોઈન્ટ સ્ટેમ્પ ડયુટી કચેરી ખાતે ગાર્ડ તરીકેનો હતો. જેમના પરિવારોમાં પત્ની તેમજ મોટો પુત્ર પાર્થ અને નાનો પુત્ર સૌરવ છે. એ.એસ.આઈ ફુલચંદભાઈ નાયી પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા. રાતના નવેક વાગે મિત્રનો ફોન આવતા કોઈ કામ માટે કાર લઈને ઘરેથી નિકળ્યા હતા. આ દરમિયાન આશરે રાત્રીના બાર વાગ્યાના અરસામાં ઘરે તેમની દીકરી કિંજલબેન વિપુલભાઈ પારેખે ફોન કરીને કહેલ કે, ચિલોડાથી દહેગામ જતા રોડ ઉપર કેશવ હોટલ સામે અકસ્માત થયો હોવાથી ફૂલચંદભાઈને 108 એમ્બ્યુલન્સ થકી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવ્યા છીએ. આ સાંભળીને મૃતકના પૂત્ર સૌરવ અને પાર્થ સિવિલ હોસ્પિટલ દોડી ગયા સિવિલ હોસ્પિટલના તબીબે ફૂલચંદભાઈને મૃત જાહેર કરેલા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચિલોડાથી દહેગામ જતા રોડ ઉપર કેશવ હોટલ સામે હાઈવા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને કારને સામેથી ટક્કર મારી હતી. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી ફૂલચંદભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી હાઈવા મૂકીને ચાલક નાસી ગયો છે. બનાવની જાણ થતાં ચીલોડા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને ડીઆઈસીટી ખાતે આઈટી એન્જિનીયર તરીકે નોકરી કરતા મૃતકના પુત્ર સૌરવની ફરીયાદના આધારે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.