Site icon Revoi.in

ભાજપને અનુકુળ ન હોય, તેમની સામે બનાવટી કેસ કરીને પાડી દેવાની નીતિઃ મોઢવાડીયાનો આક્ષેપ

Social Share

અમદાવાદઃ ભાજપાની માનસિકતા બહુ સ્પષ્ટ છે, જે તેમને અનુકુળ ન હોય, મદદ કરતા ન હોય, નડતરરૂપ હોય તેમને બનાવટી કેસો ઉભા કરી પાડી દેવાની નીતિના લીધે સહકારી માળખુ અને ખાસ કરીને દુધ સાગર ડેરીને મોટુ નુકસાન કર્યું છે, તેમ ભાજપ સામે આક્ષેંપ કરતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  સમગ્ર દેશમાં સૌથી મોટી પ્રતિષ્ઠિત ડેરી જે પશુપાલકોને મંડળીના સભ્યો માટે ઉત્તમનમૂના રૂપ કામગીરી કરી હતી તે દૂધ સાગર ડેરીના સ્થાપક માનસિંહભાઈ પટેલ હતા. અમૂલને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા દૂધ સાગર ડેરીના સંચાલકો અને પશુપાલકોનો મોટો ફાળો છે. અમુલ ડેરીનો પરોક્ષ રીતે કબજો  ભાજપાના નેતાઓ કરવા માંગે છે અને અમુલની કરોડોની મિલકતમાંથી મલાઈ ખાવા માંગી રહ્યાં છે. ભાજપાના અનેક નેતાઓ પર ભ્રષ્ટાચાર કરવાના દસ્તાવેજી પુરાવા છે પરંતુ તેમના પર કોઈ પગલા લેવામાં આવતા નથી જ્યારે બીજી બાજુ બનાવટી કેસ બનાવી ભાજપાને  અનુકુળ ન હોય અને મદદ કરતા ન બને, નડતરરૂપ થાય તેવા લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, દૂધ ડેરીના સંચાલકો, પશુપાલકો ભાજપની કિન્નાખોરીભરી નીતિરીતિથી હેરાન પરેશાન છે. ભાજપની આ કિન્નાખોરીના ભાગરૂપે મારા ઉપર સમન્સ મોકલવાની વિગતો જાણવા મળી છે પરંતુ આ સમન્સ હજુ સુધી મને મળ્યું નથી જે સ્પષ્ટ બતાવે છે કે, ભાજપ મીડીયા ટ્રાયલ ચલાવી રાજકીય નુકસાન કરવાનો બદઈરાદો હોય તેમ જણાઈ રહ્યો છે. જે વખતે ડેરીમાં  વિપુલ ચૌધરી કાર્યરત હતા ત્યારે ભાજપ અને તેના નેતાઓ દ્વારા કિન્નાખોરી રાખીને  વિપુલ ચૌધરીને પાડી દેવા તેમજ ડેરીને પણ પાડી દેવાની કામગીરી થઈ હતી. આજે પણ એ વાતને વળગી રહીએ છીએ કે, પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ઉમદા કામ કરતા  વિપુલ ચૌધરીના અનુભવોનો ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે ઉપયોગ થવો જોઈતો હતો.