Site icon Revoi.in

કંગાળ પાકિસ્તાન સરકારી એરલાઇન PIA વેચશે, 23 ડિસેમ્બરે લાઈવ હરાજી થશે

Social Share

પાકિસ્તાનની આર્થિક હાલત એટલી હદે બગડી ગઈ છે કે તેને પોતાની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) પણ વેચવી પડી રહી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી છે કે, 23 ડિસેમ્બર 2025ના રોજ આ એરલાઇનની હરાજીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ નિર્ણય IMFના કડક દબાણ અને બેલઆઉટ પેકેજની કડક શરતોના કારણે લેવામાં આવ્યો છે.

PIAને ખરીદવા માટે ચાર મોટા જૂથો રેસમાં છે. આ ચારમાંથી સૌથી વધુ ચર્ચા ફૌજી ફર્ટિલાઇઝર કંપનીની છે, જે સીધી પાકિસ્તાની સેનાના પ્રભાવ હેઠળ ચાલતા ફૌજી ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે. પાકિસ્તાનની રાજનીતિ અને અર્થતંત્રમાં સેનાની ઊંડી પકડ જોતાં એવું માનવામાં આવે છે કે આ એરલાઇન આખરે તે જ જૂથના હાથમાં જઈ શકે છે. આ ઉપરાંત લકી સિમેન્ડ સમૂહ, આરિફ હબીબ કોર્પ અને એર બ્લુ લિમિટેડ પણ આ રેસમાં સામેલ છે. આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાન કોઈ સરકારી એરલાઇનની બોલીનું સાર્વજનિક રીતે જીવંત પ્રસારણ કરશે.

પાકિસ્તાન ઘણા વર્ષોથી દેવાંના બોજ હેઠળ ચાલી રહ્યું છે અને 2023 માં દેશ લગભગ નાદારીના આરે પહોંચી ગયું હતું. સંરક્ષણ ખર્ચમાં સતત વધારો અને આવકમાં ઘટાડો થવાથી દેશની આર્થિક સ્થિતિ કથળી છે. પાકિસ્તાને IMF પાસેથી 20થી વધુ વખત લોન લીધી છે. IMF એ 7 અબજ ડોલરના બેલઆઉટ પેકેજને મંજૂરી આપી, પરંતુ આ શરતે કે પાકિસ્તાન સરકારી કંપનીઓમાં સુધારો કરે, ખોટ ઘટાડે અને PIA જેવી ખોટ કરતી કંપનીઓનું ખાનગીકરણ કરે. એક સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતી PIA પોતાની જ ભૂલોને કારણે બરબાદીના ઊંડાણમાં ડૂબી ગઈ છે. આમ પાકિસ્તાન હવે જૂના દેવાં ચૂકવવા માટે પણ નવું દેવું લેવાની પરિસ્થિતિમાં છે. IMFની શરતો પૂરી કરવા માટે PIAનું ખાનગીકરણ કરવું તેની મજબૂરી બની ગઈ છે.

Exit mobile version