Site icon Revoi.in

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મ 3જી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે, ગાંધીનગરમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે

Social Share

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મ આગામી તા. ત્રીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરમાં રૂ. 372.60 કરોડના ખર્ચે નિર્માણ થનારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમૂર્હુત કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત બે દિવસના ગુજરાતના પ્રવાસે દ્રોપદી મૂર્મુ આવી રહ્યા છે. દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અગાઉ પદનામિત રાષ્ટ્રપતિ તરીકે 17 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યારબાદ 21 જુલાઈના રોજ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ મૂર્મુ ફરી એક વખત ગુજરાતના મહેમાન બનવા જઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ અગાઉ ગુજરાતના જે સ્થળોએ નહોતા જઇ શકયા આ વખતે તેવા સ્થળોની મુલાકાત લે તેની સંભાવના છે. જેમાં પ્રથમ સ્થાને ગાંધીઆશ્રમની મુલાકાતનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરવાના છે. ગાંધીનગર સિવિલ સંકુલમાં નિર્માણ થનારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ત્રીજી ઓક્ટોબર એટલે કે, આઠમે નોરતે રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેના માટે આખું વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.

રાષ્ટ્રપતિના આગમન ટાણે સિવિલ સંકુલમાં પણ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બે વર્ષથી બજેટમાં ગ્રાન્ટ ફાળવ્યાં બાદ આખરે ગાંધીનગર સિવિલ સંકુલમાં સુ૫ર સ્પેશિયાલીટી હોસ્પિટલ ઉભી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં ઘ-3 તરફના ખુણા ઉપર દસ માળની સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. ડબલ બેઝમેન્ટ સાથે દસ માળની આ હોસ્પિટલમાં હૃદય તથા કિડનીને લગતી તમામ સેવા અને સારવાર મળી રહશે.આ ઉપરાંત પાંચ માળનું ક્રિટીકલ કેર સેન્ટર એટલે કે, ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં આવશે. જેમાં તાત્કાલિક સારવારને લગતી તમામ સુવિધા ઉભી કરવામાં અને સર્જરી અને ઓર્થોપેડિકના ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવશે. તો દર્દીના સગાને રહેવા માટેની સુવિધા સાથે રેનબસેરા પણ ઉભું કરવામાં આવશે. જેનું ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.