અમદાવાદ, 17 જાન્યુઆરી 2026: અમદાવાદની હાઈ સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા પંજાબના એક યુવકે બાથરૂમમાં પોતાની જ પાઘડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક કેદીની ઓળખ 31 વર્ષીય નિશાન સિંહ તરીકે થઈ છે. નિશાન સિંહ મૂળ પંજાબનો વતની હતો અને તેની ધરપકડ વિરમગામ રેલવે પોલીસ દ્વારા 8 જાન્યુઆરીના રોજ ચોરીના એક ગુનામાં કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેલમાં આવ્યાના માત્ર 9 દિવસમાં જ તેણે આ અંતિમ પગલું ભરી લીધું છે.
ઘટનાની વિગતો મુજબ, નિશાન સિંહ જેલના શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4માં બંધ હતો. આજે વહેલી સવારે તે બેરેકના બાથરૂમમાં ગયો હતો, જ્યાં તેણે પોતાની પાઘડી ઉતારી તેના કાપડની મદદથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેલના સત્તાધીશોને જાણ થતા તેને તાત્કાલિક નીચે ઉતારી મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ તપાસમાં અત્યાર સુધી ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, જેના કારણે નિશાન સિંહે આત્મહત્યા કેમ કરી તે અંગે રહસ્ય ઘેરાયું છે. શું તે કોઈ માનસિક તણાવમાં હતો કે પછી અન્ય કોઈ કારણ હતું, તે દિશામાં રાણીપ પોલીસ તપાસ કરી રહી છે. જેલ જેવી સુરક્ષિત જગ્યાએ કેદીના આપઘાતને પગલે જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચોઃદિલ્હી-NCR માં ધુમ્મસ-પ્રદુષણનો કહેર યથાવત, AQI 450ને પાર

