Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી હવે યુ-ટયુબ ચેનલ પર નિહાળી શકાશે, CMએ કરાવ્યો શુભારંભ

Social Share

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ એ લોકશાહીનું મંદિર ગણાય છે. લોકોના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ લાવવામાં આવે છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરે છે કે કેમ તે લોકો નિહાળી શકે તે માટે હવે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી યુ-ટ્યુબ પર નિહાળી શકાશે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની  યુ-ટ્યુબ ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો ક્લિપમાં હશે. ગૃહમાં ચાલતી કાર્યવાહીના વીડિયો યુ-ટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે, અલબત્ત આ ચેનલ પરના વીડિયો સેન્સર્ડ હશે. એટલે કે તમામ કાર્યવાહી લાઇવ બતાવવાને બદલે અમુક જ કાર્યવાહીના વીડિયો અને તે પણ સંકલન કરીને મૂકવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રીએ આજે યુ-ટ્યુબ ચેનલનું વિધિવત્ રીતે લોંચિંગ કર્યું હતુ. અને આ ચેનલની લિંક  ગુજરાત વિધાનસભાની વેબસાઈટ પર મુકવામાં આવી છે. જેમાં તમામ ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નો, મંત્રીઓએ આપેલા જવાબો, ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર થતી ચર્ચા વગેરે તેમાં દર્શાવાશે. વિધાનસભાએ પોતાની વેબસાઈટ પર ગૃહની કાર્યવાહી સંદર્ભના દસ્તાવેજો નિયમિત મૂકાય તેવું નક્કી કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરી શકાતું હતું, પરંતુ ભૂતકાળની એક ઘટનાને કારણે તત્કાલિન અધ્યક્ષે નિર્ણય લઇને તેમની મંજૂરી સિવાય વિધાનસભાની અંદરની કાર્યવાહીના વીડિયો કે ફોટોગ્રાફ જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે માત્ર બજેટના દિવસે નાણામંત્રીનું નિવેદન જ લાઇવ કરી શકાય છે. જો કે વિધાનસભાના મકાનમાં મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્ય દંડકના કાર્યાલય અને સમાચાર માધ્યમોના કક્ષમાં મૂકાયેલા ટીવી થકી લાઇવ કાર્યવાહી નિહાળી શકાય છે.