નવી દિલ્હીઃ પાણીપતમાં 6 વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે એક મહિલાને ધરપકડ કરી છે, જે અત્યાર સુધીમાં પોતાના પુત્ર સહિત ચાર બાળકોની હત્યા કરી ચૂકી છે. તાજેતરમાં ઈસરાણા વિસ્તારના નવલ્થા ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા પણ આ જ મહિલાએ કરી હોવાની તપાસમાં ખૂલ્યું હતું.
માહિતી મુજબ, આરોપી મહિલાનું નામ પૂનમ છે, જે સોનીપતના ભાવડ ગામની રહીશ છે. તેના પતિનું નામ નવીન છે. વર્ષ 2023માં તેણે પોતાની નણંદની દીકરી અને પોતાનું જ બાળક મારી નાંખ્યું હતું, જ્યારે ઓગસ્ટ 2025માં સિવાહ ગામમાં પણ એક બાળકીની હત્યા કરવામાં આવી હતી. ઈસરાણા થાણા વિસ્તારના નવલ્થા ગામમાં 6 વર્ષની વિદ્યાની પાણીના ટબમાં ડૂબી જવાથી મોત થયું હતું. વિદ્યાના દાદા પાલ સિંહ, નિવૃત્ત એસ.આઈ.,એ શંકાસ્પદ પરિસ્થિતિ જોઈ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, બાળકીને પાણીમાં ડૂબાડી મારી નાખવામાં આવી છે. પોલીસે ફરીયાદના આધારે કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે તપાસને ગતિ આપી અને આરોપી મહિલાને ઝડપી લીધી હતી. તપાસમાં ખુલ્યું કે આરોપી પૂનમ મૃતક બાળકીની ‘ચાચી’ લાગતી હતી.
સોનીપતના ભાવડ ગામના રહેવાસી પાલ સિંહે જણાવ્યું કે તેઓ પરિવાર સાથે નોલ્થા ગામમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. બારાત નીકળ્યા બાદ કેટલાક સમય પછી માહિતી મળી કે વિધી ગાયબ છે. એક કલાક બાદ પાલ સિંહની પત્ની ઓમવતી સ્ટોરરૂમ પાસે ગઈ જ્યાં દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખોલતાં જ પાણીના ટબમાં વિધીનું માથું પાણીમાં ડૂબેલું અને પગ જમીન પર દેખાયા હતા. તરત જ બાળકીને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં પરિવારને શંકા હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હશે, પરંતુ તપાસમાં સત્ય સામે આવ્યું કે આરોપી પૂનમે જ બાળકીને ટબમાં ડૂબાડી મારી નાંખી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે અને અગાઉ પણ બાળકોની હત્યા કરવાની ઘટનાઓમાં સંડોવાયેલ રહી છે.

