Site icon Revoi.in

ખાનગીકરણના વિરોધમાં રેલવેના સ્ટેશન માસ્તરો 31મી મેએ હડતાળ પર ઉતરશે

Social Share

ભાવનગર :  ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન દ્વારા સ્ટેશન માસ્તરની સમસ્યાને લઈને તારીખ 31 મેનાં રોજ સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરોએ એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. આ દિવસે એક દિવસની સામૂહિક રજા લઈ વિરોધ વ્યકત કરાશે. આથી ગુજરાતના રેલવે સ્ટેશનો પર 31મી મે નારોજ સ્ટેશન માસ્તર જોવા નહીં મળે. તેના લીધે અવ્યવસ્થા પણ સર્જાઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન દ્વારા સ્ટેશન માસ્તરની સમસ્યાને લઈને તારીખ 31 મેનાં રોજ સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરોએ એક દિવસની હડતાળની જાહેરાત કરી છે, સ્ટેશન માસ્તરોએ વિવિધ માગણીઓ કરી હતી. પણ પ્રશ્નનો ઉકેલ ન આવતા પ્રતિક હડતાળનું એલાન આપવામાં આવ્યુ છે. રેલવેનાં સ્ટેશન માસ્તરોની બંધ કરાયેલી નાઈટ ડ્યૂટી ચાલુ કરવા, રેલવેનાં ખાનગીકરણનો વિરોધ, એમ.એ.સી.પી. નો લાભ 1 જાન્યુઆરી 2016 થી આપવા તથા રેલવેનું ખાનગીકરણ બંધ કરવા, જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા બાબતે વિવિધ માંગણીઓને લઈને સ્ટેશન માસ્તરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, અગાઉ સ્ટેશન માસ્તરોએ નાઈટ ડયૂટી શિફ્ટમાં મીણબતી પ્રગટાવી વિરોધ કર્યો હતો. તેમજ એક સપ્તાહ કાળીપટ્ટી લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો એક દિવસીય ભૂખ હડતાળ સહિત અનેક પ્રકારે વિરોધ પ્રદર્શન કરવા છતા સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે આગામી તારીખ 31 મેના રોજ ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન દ્વારા સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરો દ્વારા એક દિવસની સામૂહિક રજા લઈ વિરોધ દર્શાવવાની જાહેરાત કરી છે.  બીજી તરફ સ્ટેશન માસ્તરોએ આ હડતાળને લઈને મુસાફરોને પણ એક સૂચના આપી છે. તેમણે કહ્યુ કે, જાહેર જનતાને તારીખ 31 મે, 2022 ના રોજ પોતાનું યાત્રાનું પ્લાનિંગ આ બાબતને ધ્યાનમાં રાખીને કરવાની એસોસિયેશન દ્વારા અપીલ કરાઈ છે.