Site icon Revoi.in

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા પર ઇનામોનો વરસાદ, ઇન્ડિગોએ 1 વર્ષ માટે મફત મુસાફરીની આપી સુવિધા

Social Share

દિલ્હી :ખાનગી એરલાઇન ઇન્ડિગોએ શનિવારે જાહેરાત કરી હતી કે, તે ટોક્યો ઓલિમ્પિકની જેવેલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાને એક વર્ષ માટે અમર્યાદિત મફત મુસાફરી કરવાની સુવિધા આપશે. ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકની જેવેલિન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. નીરજ વ્યક્તિગત ઓલિમ્પિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય બન્યો છે, જ્યારે નીરજ એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે.

ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તે એક નિવેદનમાં કહ્યું કે નીરજ, અમે બધા તમારી સિદ્ધિ વિશે સાંભળીને ખૂબ જ ખુશ છીએ. તમે દેશને ગૌરવ અપાવ્યું છે. હું જાણું છું કે ઇન્ડિગોના તમામ કર્મચારીઓ અમારી કોઈપણ ફ્લાઇટમાં તમારું સ્વાગત કરવા માટે સન્માનિત અનુભવ કરશે. તેમણે કહ્યું કે,તમામ વિનમ્રતા સાથે અમે તમને એક વર્ષ માટે ઈન્ડિગો વિમાનોમાં મફત મુસાફરીની સુવિધા આપવા માંગીએ છીએ. સાથે એ પણ કહ્યું કે,મને ખાતરી છે કે તમે ભવિષ્યના ભારતીય રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશો. શાનદાર પ્રદર્શન નીરજ.. કંપનીએ કહ્યું કે, નીરજ ઇન્ડિગોની ફલાઈટમાં આગામી વર્ષ 7 ઓગસ્ટ સુધી મફત ઉડાન ભરી શકે છે.

હરિયાણાના પાનીપત નજીકના ખાંદ્રા ગામના ખેડૂતના 23 વર્ષના પુત્ર નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલો ફેંકી ફાઇનલમાં તેના બીજા પ્રયાસમાં 87.58 મીટર ફેંકીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. 100 થી વધુ વર્ષમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે.

 

Exit mobile version