Site icon Revoi.in

રાજકોટ અને ગાંધીનગર મ્યુનિ. દ્વારા વિશાળ સ્ક્રીન પર વર્લ્ડકપ ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે બેસીને મેચ જોવાનો લોકોને લ્હાવો મળી રહે તે માટે રાજકોટ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ દ્વારા મોટા સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ક્રિકેટમેચનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે, અને શહેરના લોકો નિશુલ્ક મેચ જોવાનો આનંદ માણી શકશે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વર્લ્ડકપની ફાઈનલ મેચનું વિશાળ LED સ્ક્રિન પર લાઈવ  ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત અનેય શહેરોમાં કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા પણ લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.

અમદાવાદમાં આજે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ-2023નો ફાઇનલ મુકાબલો યોજાશે. આ મેચ નિહાળવા વડાપ્રધાન મોદી પણ આવી રહ્યા છે. રાજ્યભરમાં ક્રિકેટનો ફીવર છવાયો છે. ત્યારે રાજકોટની ક્રિકેટપ્રેમી જનતા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  80*30 એટલે કે અંદાજે 1800 ફૂટની વિશાળ LED સ્ક્રીન પર ડીજેનાં સથવારે મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે. રાજકોટનાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓ-પદાધિકારીઓએ શનિવારે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડની મુલાકાત લઈ સુરક્ષા સહિતની વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી તેમજ જરૂરી સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત ગાંધીનગર તેમજ તેની આસપાસ રહેતા ક્રિકેટ રસિકો માટે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વર્લ્ડકપની ફાઈનલ મેચનું વિશાળ LED સ્ક્રિન પર લાઈવ  ટેલિકાસ્ટ કરવામાં આવશે., ગાર્ડનમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવે અને મેચ નિહાળી ટીમ ઈન્ડિયાને ચિયર કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં કોટલીક સોસાયટીઓના કોમન પ્લોટ્સમાં તેમજ શેરીઓ અને મહોલ્લાઓમાં પણ લોકો સાથે બેસીને મેચ નિહાળી શકે તે માટે મોટા સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક યુવાનોએ સાથે મળીને પોતાના પોકેટ મનીમાંથી ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરી છે.