Site icon Revoi.in

ઈરાકમાં ભારતીય દૂતાવાસને પહાડો પર મળ્યા ભગવાન રામના ભીંતચિત્રો

Social Share

આ વર્ષે જૂનમાં ઈરાક ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળને ત્યાં ઈસ્વીસન પૂર્વે બે હજાર વર્ષ પહેલાના ભીંતચિંત્રો પ્રાપ્ત થયા છે. અયોધ્યા શોધ સંસ્થાને દાવો કર્યો છે કે આ ભગવાન રામની જ છબી છે. ઈરાકના હોરેને શેખાના ક્ષેત્રમાં સાંકડા માર્ગ પરથી પસાર થતા રસ્તા પર આ ભીંતચિત્રો દરબંદ-ઈ-બેલુલાની શિલા પર બનેલા મળ્યા છે. આ ચિત્રમાં એક રાજાને દર્શાવવામાં આવ્યા છે, જેમણે ધનુષ પર તીર તાણેલું છે. તેમના કમરપટ્ટામાં એક ખંજર અથવા નાની તલવાર લાગેલી છે.

આ શિલામાં એક અન્ય તસવીર પણ છે, જેમાં એક શખ્સ હાથ વાળેલો દેખાઈ રહ્યો છે. અયોધ્યા શોધ સંસ્થાનના નિદેશક યોગેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યુ છે કે આ ભગવાન હનુમાનની છબી છે. તો ઈરાકના વિદ્વાનોનું કહેવું છે કે આ ભીંતચિત્ર પહાડી જનજાતિના પ્રમુખ ટાર્ડુનીના છે. ભારતીય રાજદૂત પ્રદીપસિંહ રાજપુરોહિતની આગેવાનીમાં આ પ્રતિનિધિમંડળ ઈરાક ગયું હતું. તેના માટે સંસ્કૃતિ વિભાગ હેઠળ આવતા અયોધ્યા શોધ સંસ્થાને અનુરોધ કર્યો હતો.

આ અભિયાનમાં એબ્રિલ વાણિજ્ય દૂતાવાસમાં ભારતીય રાજદ્વ્રારી, ચંદ્રમૌલી કર્ણ, સુલેમાનિયા યુનિવર્સિટીના ઈતિહાસકાર અને કુર્દિસ્તાનના ઈરાકી ગવર્નર સામેલ થયા હતા. પ્રદીપસિંહને દાવો છે કે આ ભીંતચિત્રથી ખબર પડે છે કે ભગવાન રામ માત્ર કહાનીઓમાં ન હતા,કારણ કે આ નિશાન તેમના પ્રત્યક્ષ પ્રમાણ છે. ભારતીય અને મેસોપોટામિયા સંસ્કૃતિ વચ્ચેના સંબંધનો વિગતવાર અભ્યાસ કરવા માટે પણ આ પ્રતિનિધિમંડળે ચિત્રમય પ્રમાણ પણ એકત્રિત કર્યા છે.

જો કે ઈરાકના ઈતિહાસકાર આ ચિત્રને ભગવાન રામ સાથે જોડાયેલું માનતા નથી. તેમનું કહેવું છે કે આ સાબિત કરવા માટે ગાયબ લિંકને શોધવાની જરૂર છે. તેમણે કહ્યુ છે કે તેમણે સંશોધન માટે ઈરાકની સરકારની મંજૂરી માંગી છે. અનુમતિ મળ્યા બાદ તમામ કડીઓને જોડવાનું કામ કરવામાં આવશે.

પ્રદીપ સિંહે વિભિન્ન સંદર્ભોને ટાંકતા કહ્યુ છે કે લોઅર મેસોપોટેયિમા પર ઈસ્વીસન પૂર્વે 4500 અને 1900ની વચ્ચે સુમરિયનોનું શાસન હતું. તેમણે કહ્યુ છે કે એવા પુરાવા છે કે તેઓ ભારત આવ્યા અને આનુવંશિકપણે સિંધુ ઘાટીની સભ્યતા સાથે જોડાયેલા હતા. યુપીના સંસ્કૃતિ વિભાગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં એક જ છતની નીચે દુનિયાના વિભિન્ન સ્થાનો પરથી મળેલા ભગવાન રામના ભીંતચિત્રોને રાખવામાં આવશે.