ગાંધીનગરઃ રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી છે. હ્રદયરોગની ઘટનાઓ સંદર્ભે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે મીડિયાને માહિતી આપશે. ઉપરાંત યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા એક ગુગલફોર્મ જનરેટ કરવામાં આવ્યું છે. https://forms.gle/trxwRiBW9vXSzyYL8 આ લિંક પર નાગરિકોએ કેટલીક પ્રાથમિક માહિતી સાથે હ્રદયરોગ, હાર્ટ કે કાર્ડિયાક એરેસ્ટ અથવા હ્રદયને લગતા અન્ય કોઇપણ પ્રશ્નો અને મુંઝવણો પૂછી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાદર્શનમાં હાથ ધરાયેલી કવાયત અંતર્ગત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે યુ.એન. મહેતાના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીને છેલ્લા પાંચ વર્ષના હ્રદયરોગ સંબંધિત ડેટાના આધારે રીસર્ચ તેમજ એનાલિસીસ કરવા સૂચના આપી હતી. આ વિશ્લેષણમાં અન્ય રાજ્યોમાં પણ હ્રદયરોગ અંગેની સ્થિતિનું વિશ્લેષણ હાથ ધરાશે.
આરોગ્યમંત્રીએ રાજ્યની અન્ય ખાનગી કાર્ડિયાક હોસ્પિટલના ડેટા અને રીસર્ચનું સંકલન કરીને તબીબોની પેનલને રાજ્યના નાગરિકોને માહિતગાર કરવા માટે સૂચન કર્યું હતુ. જેના પગલે છેલ્લા પાંચ વર્ષના ડેટા અને તેના પર થયેલ રીસર્ચ અને એનાલીસીસને આધારે કાલે શનિવારે રાજ્યની જનતા સમક્ષ હ્રદયરોગ અંગેની વિગતો સમક્ષ મૂકવામાં આવશે. રાજ્યની જનતામાં હાર્ટઅટેક કે કાર્ડિયાક અરેસ્ટને લઇને પેનિક ના થાય , લોકોમાં આ બાબતે જે કંઇપણ ગેરસમજ હોય તે દૂર થાય, રાજ્યની પ્રત્યેક જનતા સુધી સાચી માહિતી પહોંચે તે મુખ્ય આશયથી નિષ્ણાંત તબીબો દ્વારા આ સંવાદ હાથ ધરવામાં આવશે.
આ પરિસંવાદમાં સહભાગી બનવા માટે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા એક ગુગલફોર્મ જનરેટ કરવામાં આવ્યું છે. https://forms.gle/trxwRiBW9vXSzyYL8 આ લિંક પર નાગરિકોએ કેટલીક પ્રાથમિક માહિતી સાથે હ્રદયરોગ, હાર્ટ કે કાર્ડિયાક એરેસ્ટ અથવા હ્રદયને લગતા અન્ય કોઇપણ પ્રશ્નો અને મુંઝવણો પૂછી શકશે.
જેમાંથી કેટલાક કોમન સવાલોના જવાબ પણ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. એટલે રાજ્યના મહત્તમ લોકો તબીબો દ્વારા આપવામાં આવતી માહિતી મેળવી શકે, તેનું જ્ઞાનવર્ધન કરી શકે.