Site icon Revoi.in

માંડલના અંધાપાકાંડમાં રોશની ગુમાવનારાને વળતર આપવા આરોગ્ય મંત્રીને રજુઆત

Social Share

અમદાવાદઃ  જિલ્લાના માંડલમાં આવેલા રામાનંદ હોસ્પિટલમાં સાત મહિના પહેલા મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા 17 જેટલા દર્દીઓએ તબીબોની બેદરકારીને કારણે રોશની ગુમાવી હતી, આ અંધાપાકાંડનો ભાગ બનેલા દર્દીઓને 10-10 લાખનું વળતર આપવા માટે રાજ્યના આરોગ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજુઆતો કરવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય મંત્રીને અપાયેલા આવેદનપત્રમાં માંડલ અંધાપાકાંડના દર્દીઓઓ અને તેમના પરિવારજનોએ એવી રજુઆત કરી હતી કે, ગુજરાત સરકાર દ્વારા અમરેલી શાંતાબા હોસ્પિટલના અંધાપાકાંડમાં આંખની રોશની ગુમાવનાર તમામ પીડિતોને આપેલ દસ-દસ લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. આજ રીતે અમે 17 દર્દી પણ કાયમિક આંખની રોશની ગુમાવી બેઠા છીએ. તો અમો તમામ 17 દર્દીને પણ 10-10 લાખ સહાય ચૂકવવાનો નિર્ણય લેવા માટે સામુહિક માંગણી કરીએ છીએ. તેમજ માંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના કેસમાં કાનૂની મદદ મળે તે માટે ખાસ સરકારી વકીલની નિમણૂક કરવી અને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવી.તથા માંડલ રામાનંદ આંખની હોસ્પિટલ ચલાવનાર ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કાયમિક ધોરણે રદ્દ કરવાની કાર્યવાહી કરવી. તમામ પીડિત પરિવારોના જીવન નિર્વાહ/ પુનઃ વસન માટે ખાસ કિસ્સામાં દરેક વ્યક્તિને જીવે ત્યાં સુધી રૂ. દસ-દસ હજાર પેન્શન આપવાની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં ગત તા.10મી જાન્યુઆરીના રોજ મોતિયાંનાં ઓપરેશન બાદ દર્દીઓની આંખમાં ખામી સર્જાતાં 21 દર્દીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મામલે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી અને હાઇકોર્ટે સરકાર અને આરોગ્ય વિભાગને ખખડાવ્યાં હતાં. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારે કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરીને જણાવવામાં આવ્યું હતુ. કે જ્યાં ઓપરેશન કરાયું એ પ્રાઈવેટ હોસ્પિટલ છે. ત્યાં વહીવટ અને મશીનરીમાં ખામી હતી. તપાસમાં સામે આવ્યું છે કે સંશાધનો અને માણસોની અછતથી માંડલની ઘટના બની હતી.