Site icon Revoi.in

ચૂંટણી ફરજની તાલીમમાં હાજર નહીં રહેનારા 39 કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરતા નારાજગી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી  શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી પંચ કટિબધ્ધ છે. અને કેન્દ્ર અને ગુજરાત સરકારના કર્મચારીઓને પોલિંગ ઓફિસરથી લઇને પ્રિસાઈડિંગ ઓફિસર સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે.ઘણા કર્મચારીઓ ચૂંટણીલક્ષી તાલીમ લેવા માટે આવતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. આથી તાલીમમાં હાજર નહીં રહેનારા 39 કર્મચારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેલા કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. કલેક્ટરે જે-તે સંબંધિત પોલીસને ધરપકડની સૂચના આપી હતી. આથી 39 સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે. ઈન્કમટેક્સ, ઈન્સ્યોરન્સ અને ટેલિકોમ સેક્ટરના કર્મચારીઓ સામે વોરંટ ઇશ્યૂ કરાયું છે. તાલીમમાં ગેરહાજર રહેલા કર્મચારીઓ  વિરૂદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવવામાં આવી છે. જોકે ધરપકડની સૂચના બાદ 24 કર્મચારીઓ કામગીરી માટે હાજર થઇ ગયા હતા. અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા માટે 25 હજાર કર્મીઓની જરૂર છે. આ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટે 2700 કર્મીઓએ રજૂઆત પણ કરી છે. જો કે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીના કહેવા મુજબ  ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ધરપકડ વોરંટ એ રૂટિન પ્રક્રિયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે કર્મચારીઓને ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક કર્મચારીઓની તો ટ્રાન્સફર થઈ ગયેલી છે. કેટલાક કર્મચારીઓએ અગાઉથી જ પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી .છતા તેમની સામે પણ નોટિસ ઈસ્યું છતાં નારાજગી ઊભી થઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એક અંદાજ મુજબ અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે 25 હજાર કર્મચારીઓની જરૂર છે. જેમાંથી 2700 કર્મચારીઓએ વિવિધ કારણોસર આ પ્રક્રિયામાંથી મુક્તિ માટે રજૂઆત કરી છે. મુખ્યત્વે માંદગી, ટ્રાન્સફર, માતા-પિતાની તબિયત, લગ્ન પ્રસંગ સહિતના કારણો રજૂ કરી મુક્તિ માગી છે. જો કે, હજુ આ અંગે નિર્ણય લેવાયો નથી.

Exit mobile version