Site icon Revoi.in

સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયો અડધા જ ભરાયેલા છે, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

Social Share

હિંમતનગરઃ ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે. ઓગસ્ટમાં વરસાદ પડવાની આશા હતી પણ ઓગસ્ટ મહિનો કોરો જતાં હવે ખેડુતો હવે ખરીફ પાક બચાવવા માટે બોર અને કૂવામાંથી પાણી ખેંચી રહ્યા છે. બીજુ બાજુ સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયો અડધા જ ભરાયેલા છે. એટલે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં વરસાદ ખેંચાવાને લઈ પાક મૂરઝાવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ જળાશયોમાં પણ પૂરતાનો જળસંગ્રહ નહીં થયો હોય આગામી રવિ સિઝનમાં ખેડુતોને સિંચાઈ માટે સમસ્યા ઊભી થશે.  સાબરકાંઠાના ગુહાઈ અને હાથમતી ડેમ માંડ અડધા જ ભરાયા છે. આ બંને જળાશય સાબરકાંઠા અને ગાંધીનગરના ખેડૂતો માટે રવિ સિઝનમાં સિંચાઈ માટે આશિર્વાદ રૂપ રહેતા હોય છે. અરવલ્લી જિલ્લાનો માઝમ ડેમ દરવાજા બદલવાને લઈ ખાલી કરવામાં આવ્યો હતો. પરંતુ અપેક્ષા મુજબ વરસાદ નહીં વરસવાને લઈ હાલમાં ડેમ માંડ ચોથા ભાગનો જ ભરાયો છે. આમ હવે સિંચાઈ સાથે પીવાના પાણી માટે પણ ચિંતા વ્યાપી છે. હવે ખેડૂતોથી લઈ સૌ કોઈ હજુ સારા વરસાદના રાઉન્ડની આશા સેવી રહ્યા છે.

સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને હાથમતી અને ગુહાઈ જળાશયના પાણી કેનાલ મારફતે રવિ સિઝનમાં સિંચાઈ માટે આપવામાં આવતુ હોય છે. ગત ચોમાસાની સિઝનમાં બંને જળાશયોમાં જળસંગ્રહ સારો થવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. પરંતુ હાલમાં હજુ અડધા ખાલી જળાશયે ચિંતાના વાદળો વધારી દીધા છે. હાથમતી જળાશયની જળસંગ્રહ ક્ષમતા 152.93 એમસીએમ છે, જેની સામે હાલમાં માત્ર 68.13 એમસીએમ જળસંગ્રહ થયેલો  છે. આમ જળાશયમાં માત્ર 44.55 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે ગુહાઈ ડેમની સંપૂર્ણ જળસંગ્રહ ક્ષમતા 68.75 એમસીએમ છે. જેની સામે હાલમાં 36.52 એમસીએમ પાણી ભરાયેલુ છે. આમ ડેમ 53.13 ટકા પાણીનો જથ્થો ભરાયેલો છે.

અરવલ્લી જિલ્લાના ત્રણેય મહત્વના જળાશયો માંડ અડધા કે તેથી ઓછા ભરાયા છે. માઝમ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ઉનાળામાં રહ્યુ સહ્યુ પાણી પણ ખાલી કરવામાં આવ્યુ હતુ. ડેમની હાલની સ્થિતિ જોવામાં આવે તો, 28.68 ટકા જળસંગ્રહ નોંધાયેલો છે. માઝમ ડેમની જળસંગ્રહ ક્ષમતા 43.86 એમસીએમ છે. જેની સામે હાલમાં માત્ર 12.58 એમસીએમ પાણીનો જથ્થો ભરાયેલો છે. આ ઉપરાંત વાત્રક ડેમની સ્થિતિ હાલમાં અડધાએ પહોંચી છે. ડેમમાં 50.06 ટકા પાણી ભરાયેલુ છે. વાત્રક જળાશયની જળક્ષમતા 158.20 એમસીએમ છે, જેની સામે હાલમાં 79.19 એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે. મેશ્વો જળાશય 46.89 ટકા ભરાયેલો છે. ડેમની જળસંગ્રહ ક્ષમતા 53.13 એમસીએમ, જ્યારે હાલમાં 24.91 એમસીએમ જળસંગ્રહ નોંધાયેલો છે. આમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જળાશયો અડધા પણ ન ભરાતાં ખેડુતો ચિંતા કરી રહ્યા છે.