Site icon Revoi.in

રોબર્ટ વાડ્રાને મળી રાહત, ધરપકડ પર 16 ફેબ્રુઆરી સુધી રોક

Social Share

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડથી બચવા માટે અરજી કરી છે. મની લોન્ડ્રિંગ કેસમાં પોતાની આ અપીલ પર સુનાવણી કરતા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે વાડ્રાને રાહત આપી છે. વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટને ભરોસો આપ્યો છે કે તેમના અસીલ રોબર્ટ વાડ્રા તપાસમાં સહયોગ કરશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી ધરપકડમાંથી રાહત આપી છે. વાડ્રા પૂછપરછ માટે છ ફેબ્રુઆરીએ ઈડી સમક્ષ હાજર થશે.

આ સમગ્ર કેસ લંડનના 12 બ્રાયંસ્ટન સ્ક્વેર પર આવેલી એક મિલ્કતની ખરીદીમાં મની લોન્ડ્રિંગના આરોપો સાથે જોડાયેલો છે. આ પ્રોપર્ટી 19 લાખ પાઉન્ડમાં ખરીદવામાં આવી હતી અને તેનો માલિકી હક રોબર્ટ વાડ્રા પાસે છે. આ પહેલા અદાલતે વાડ્રાના નિકટવર્તી મનોજ અરોરોની ધરપકડ પર 6 ફેબ્રુઆરી સુધી વચગાળાની રોક લગાવી દીધી હતી.

આ પહેલા ઈડીએ 19 ફેબ્રુઆરીએ કોર્ટને જણાવ્યું હતું કે મનોજ અરોરા તપાસમાં સહયોગ કરી રહ્યા નથી. અરોરાએ પહેલા અદાલતમાં આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે રાજકીય બદલાની ભાવના હેઠળ તેમને આ કેસમાં ફસાવ્યા છે.

જો કે ઈડીએ આ આરોપોને નામંજૂર કરતા કહ્યું હતું કે શું કોઈપણ અધિકારીને કોઈપણ રાજકીય રીતે મોટા વ્યક્તિની તપાસ કરવી જોઈએ નહીં, કારણ કે તેને રાજકીય કિન્નાખોરી કહેવામાં આવશે?

ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે ભાગેડું શસ્ત્ર સોદાગર સંજય ભંડારી વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગ કાળા ધન અધિનિયમ અને કર કાયદા હેઠળ તપાસ કરી રહ્યું છે. તે વખતે મનોજ અરોરાની ભૂમિકા સામે આવી હતી, તેના આધારે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપ છે કે લંડન ખાતેની આ મિલ્કતને 19 લાખ પાઉન્ડમાં સંજય ભંડારીએ ખરીદી હતી અને 2010માં તેને આટલી જ કિંમતે વેચી દેવામાં આવી હતી. જ્યારે તેમના ઉપર લગભગ 65 હજાર 900 પાઉન્ડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેની એટલી જ કિંમતમાં પ્રોપર્ટી રોબર્ટ વાડ્રાને વેચવામાં આવી હતી.

ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે આ એ તથ્ય પર વિશ્વાસ અપાવે છે કે ભંડારી મિલ્કતનો વાસ્તવિક માલિક ન હતો, પરંતુ વાડ્રા પાસે તેની માલિકી હતી. તેઓ તેના નવીનીકરણ પર ખર્ચ કરી રહ્યા હતા.

ઈડીએ આરોપ લગાવ્યો હતો કે મનોજ અરોરા, રોબર્ટ વાડ્રાની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી એલએલપીના એક કર્મચારી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે અરોરાને વાડ્રાની વિદેશમાં અઘોષિત સંપત્તિ સંદર્ભે જાણકારી હતી અને તેઓ ધનની વ્યવસ્થા કરવામાં મદદગાર હતા.

Exit mobile version