Site icon Revoi.in

કાર સહિતના ફોરવ્હીલ વાહનો પર વધારાની LED સામે RTOની ઝૂંબેશ, 80 વાહનચાલકો દંડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વાહનોમાં નિયમ વિરૂદ્ધ્ વધારાની એલઈડી લાઈટો લગાવવામાં આવે છે. આવી લાઈટ્સને કારણે રાતના સમયે સામેથી આવતા વાહનચાલકો અંજાઈ જતા હોય છે. અને તેના લીધે પણ અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે આરટીઓ દ્વારા વાહનો પર વધારાની એલઈડી લાઈટ્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છેય જેમાં અમદાવાદ આરટીઓએ ડ્રાઈવ યોજીને અનઅધિકૃત રીતે વ્હાઇટ એલઇડી લાઇટ લગાવનારા 80 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ, એસજી હાઇવે, એસપી રિંગ રોડ, અને રિવરફ્રન્ટ પર રાત્રી દરમિયાન આરટીઓએ ડ્રાઈવ યોજીને વધારાની એલઈડી લગાવનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. રાત્રિ દરમિયાન વ્હાઇટ એલઇડી સાથે જગમગાટ કરતી કાર અન્ય વાહનચાલકોની આંખો અંજાવે છે. તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ આરટીઓ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.

રાજ્યના વાહન વ્યવહાર કચેરીના કમિશનર દ્વારા તમામ આરટીઓને  ડ્રાઇવ ચલાવવાની સૂચના આપવામાં આવી છે.  જેને લઈને અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા છેલ્લા 10 દિવસથી આ બાબતે કડક પગલાં લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ઉપરાંત હાઇવે પર વટ પાડવા માટે કેટલાક વાહનચાલકો પોતાના વાહન ઉપર વધુ પડતી ભપકાંદાર એલઇડી લાઇટ લગાવતા હોય છે. તેને કારણે અન્ય વાહન ચાલકોને રાત્રિ દરમિયાન આંખો અંજાઈ જતાં અકસ્માત થવાનો ભય રહે છે. અનઅધિકૃત રીતે વ્હાઇટ એલઇડી લાઇટ લગાવનાર વાહનચાલકોને હાલમાં અમદાવાદ આરટીઓ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરના પશ્ચિમ વિસ્તારના પોશ વિસ્તારમાં આ પ્રકારે અનઅધિકૃત રીતે વ્હાઇટ એલઇડી લાઇટ લગાવીને કેટલાક નબીરાઓ રસ્તા ઉપર ફરતા હોય છે અને અન્ય વાહન ચાલકોને તમને કારણે મુશ્કેલી પણ સર્જાતી હોય છે.  સામાન્ય રીતે થાર, સ્કોર્પિયો, એસયુવી વગેરે કારમાં વ્હાઇટ એલઇડી અનઅધિકૃત રીતે લગાવેલી હોય છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી એપ્રિલ મહિનાની 25 તારીખ સુધીમાં 80 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. અન અધિકૃત રીતે વ્હાઇટ એલઇડી લાઇટ લગાવીને વાહન ચલાવતા ચાલકો પાસેથી નિયમાનુસાર અમદાવાદ આરટીઓ દ્વારા 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જેમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર, LMVનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય મોટા વાહનો પાસેથી 3000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. અત્યાર સુધીમાં અમદાવાદ આરટીઓ દ્વારા એસી 80,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.