Site icon Revoi.in

ગુજરાતમાં કંપની ફિટેડ સીએનજી કારના વેચાણમાં 9 મહિનામાં 143 ટકાનો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ સીએનજી વાહનોની માગમાં ધરખમ વધારો થયો છે. સીએનજી વાહનોની માંગ વધતાં તેની અસર ગેસની માગ પર જોવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય રુપે બે પરિબળો જવાબદાર છે એક પેટ્રોલ ડીઝલના ભડકે બળતાં ભાવ અને બીજુ BS-VI રોલઆઉટ પછી ભારત સ્ટેજ (BS) ઉત્સર્જનના ધારાધોરણોમાં ફેરફાર. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં 2021 માં 1 જાન્યુઆરીથી સપ્ટેમ્બર 9 દરમિયાન 15,175 સીએનજી સંચાલિત વાહનો નોંધાયા છે- જે પાછલા ચાર વર્ષ 2017 થી 2020 સુધીના સમયગાળામાં નોંધાયેલા કુલ 6,226 સીએનજી વાહનોની સામે 143% જેટલો વધારો દર્શાવે છે.

ગુજરાત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) ના અધિકારીઓએ CNG વાહનોની માગમાં આવેલા આ અચાનક ઉછાળા માટે પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણની કિંમતોમાં વધારો તેમજ BS-VI સુસંગત વાહનોમાં CNG કિટ બહારથી ફીટ કરવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને જવાબદાર ગણાવ્યા છે. તેનાથી ખરા અર્થમાં કંપની દ્વારા ફીટ થયેલા સીએનજી વાહનોનું વેચાણ અભૂતપૂર્વ રીતે વધ્યું છે. રાજ્ય પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં CNG વાહનો માટેનો આ ટ્રેન્ડ દેશમાં વધતી જતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે. અત્રે નોંધનીય છે કે RTO દ્વારા હજુ સુધી BS-VI વાહનોમાં CNG કિટ્સ રેટ્રોફિટ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. અમદાવાદ આરટીઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે બીએસ -6 વાહનોમાં સીએનજી કિટ્સના રેટ્રોફિટિંગની મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ નિર્ણય લીધો નથી. આનું કારણ એ છે કે સીએનજી દ્વારા ચાલતા બીએસ -6 વાહનોને ખાસ કેટેલાઇઝરની જરૂર પડે છે જે ફક્ત ફેક્ટરીમાં જ ફીટ કરી શકાય છે.”

સૂત્રોના જણાવ્યા મુજબ  BS-VI સુસંગત વાહનો માટે CNG કિટના રેટ્રોફિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તેના પરિણામે કંપની-ફીટ કરેલા સીએનજી વાહનોની પસંદગી વધી રહી છે. સામાન્ય રીતે દરરોજના 100 કિલોમીટરની મુસાફરી કરતા લોકો ઇંધણનો ખર્ચ બચાવવા માટે સીએનજી વાહનો તરફ વળી રહ્યા છે. જ્યારે ડીલરોએ જણાવ્યું હતું કે એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સીએનજી ફીટ કરેલી કારની માંગમાં ભારે વધારો થયો છે. અમદાવાદના એક ઓટો ડિલરે કહ્યું હતું  કે, ઇંધણના ભાવમાં ઉછાળાની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ સમાનતા આવી જવાથી સીએનજી કારની માંગ વધી છે. ડીલર્સે જણાવ્યું હતું કે જે ગ્રાહકો ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ધરાવે છે તેઓ તો હવે ઇલેક્ટ્રિક કારને પહેલી પસંદ કરી રહ્યા છે, જેના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.