Site icon Revoi.in

‘ભારત’ ન થઇ પાકિસ્તાનમાં રીલીઝ, પહેલીવાર ઈદ પર પાક.માં સલમાન ખાનની ફિલ્મ નહીં મળે જોવા

Social Share

ગ્રીક રોમન થિયેટરમાં વાર્તાઓ સુખાંત હોય છે અને તેમાં સમાજ માટે એક સંદેશ પણ હોય છે. ફિલ્મી પડદા પર પણ સમાજ માટે આવા જ સંદેશ સાથે સુખાંત વાર્તાઓ દર્શાવવામાં આવે છે. જોકે, તેને દર્શાવનારાઓ હકીકતમાં અસલી મુદ્દાઓ પર મૌન અથવા હાથ ખંખેરી નાખતા જોવા મળે છે, જવાબદારીઓથી બચે છે. બજરંગી ભાઈજાન જેવી ફિલ્મમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે શાંતિનો સંદેશ લાવનારા સલમાન ખાન પણ બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોને ગતિ આપવાના મામલે ચૂપ જ જોવા મળી રહ્યા છે.

જ્યારે ભારત અને પાકિસ્તાનમાં ભલે ગમે તેટલા મતભેદ હોય, પરંતુ સિનેમા એવી ચીજ છે જેને લઇને બંને દેશોની ભાવનાઓ એક જેવી જોવા મળે છે. સિનેમા એટલે કે બોલિવુડનું હિંદી સિનેમા. પાકિસ્તાનમાં બોલિવુડની ફિલ્મોને એટલી જ પસંદ કરવામાં આવે છે જેટલી ભારતીય દર્શકો કરે છે. પાકિસ્તાનમાં સિનેમાનો કારોબાર હોલિવુડ અને હિંદી ફિલ્મો પર આશ્રિત છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલા અને પછી બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક પછી રાજકીય સંબંધો એ રીતે વણસ્યા કે પાકિસ્તાનમાં હિંદી ફિલ્મોની રોનક ગાયબ છે.

ભારતમાં જે સલમાન પોતાના પિતા અને બહેન માટે કાર્ડબોર્ડ લઇને જોવા મળે છે તે આખરે પાકિસ્તાનમાં ફિલ્મની રીલીઝ માટે તખ્તી લઇને અટારી પર ઊભેલો જોવા કેમ નથી મળતો? સિનિયર ફિલ્મ ક્રિટિક અજય બ્રહ્માત્મજે કહ્યું કે આ પહેલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કરવી જોઈએ. અજયે કહ્યું, ‘હાલ સાંસ્કૃતિક આદાન-પ્રદાન એક રાજકીય મુદ્દો બની ગયો છે. હકીકતમાં મુંબઈના ફિલ્મ કલાકારો અને વેપારીઓનો એક મોટો હિસ્સો ઇચ્છે છે કે બંને દેશોની વચ્ચે ફિલ્મ ટ્રેન્ડ જળવાઈ રહે.’

અજયે કહ્યું, ‘પરંતુ દેશમાં જે પ્રકારનો માહોલ બનેલો છે તે જોતા કોઈપણ આ પ્રકારની પહેલ (પાકિસ્તાનમાં ફિલ્મોની રીલીઝ) નહીં કરવા માંગે. તમામ લોકો વ્યવસ્થાના લીધે મૌન છે. દોસ્તીની વાત હાલ શક્ય નથી. ભવિષ્યના રાજકારણથી એ વાત નક્કી થશે કે ભારત પાકિસ્તાન વચ્ચે ફિલ્મોનો સંપર્ક જળવાઈ રહેશે કે નહીં.’

બાલાકોટ પછીથી ભારત-પાકિસ્તાનના સંબંધો નાજુક વળાંક પર છે. સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે ઇદ પર પાકિસ્તાનમાં ભારતની રીલીઝ બંને દેશો માટે એક બહુ જ સારી તક હતી. ઇદ પર ભારતીય ફિલ્મો પર લાગેલા બેનને હટાવીને ઇમરાન પહેલ કરી શકતા હતા, પરંતુ આ તક તેમણે હાલ ગુમાવી દીધી છે.