Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 દિવસના મીની વેકેશનનો પ્રારંભ, કર્મચારીઓ પ્રવાસે ઉપડી ગયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોળી-ધૂળેટીના પર્વને લીધે ગુરૂવારથી 5 દિવસ માટે મીની વેકેશનનો પ્રારંભ થયો છે. ગત શનિવાર અને રવિવાર રજા હોવા છતાં તમામ કર્મચારીઓ પદવીદાન સમારોહને લીધે જાહેર રજા ભોગવી શક્યા નહતા. એટલે યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકોએ શનિ-રવિની રજાના દિવસોમાં પણ કામગીરી બજાવી હોવાથી આ બે રજાનો લાભ તા. 21મી અને 22 માર્ચે આપવામાં આવ્યો છે અને ત્યારબાદ 23થી 25 માર્ચ સુધી જાહેર રજા છે. આમ યુનિવર્સિટી ગુરુવારથી 5 દિવસ બંધ રહેશે. જેને લીધે શૈક્ષણિક અને વહીવટી કાર્ય નહીં થાય. જેથી વિદ્યાર્થીઓ પણ આ 5 દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ન જાય તેવી સૂચના આપવામાં આવી છે. બીજીબાજુ ગુરૂવારથી પાંચ દિવસના મીની વેકેશનની જાહેરાત થતાં જ યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકો પરિવાર સાથે પોતાના વતનમાં જવા તેમજ ફરવા માટે પ્રવાસે જવા ઉપડી ગયા છે.

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ રમેશ પરમારે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 10 માર્ચના રવિવારે 58મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેથી શનિવારે પણ રજાનો દિવસ હોવા છતાં તમામ કર્મચારીઓને ફરજ પર બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન 23 માર્ચના ચોથો શનિવાર છે. 24 માર્ચના રવિવારે હોળી છે તો 25મી માર્ચે સોમવારે ધૂળેટી છે. જેથી 21 અને 22 મી માર્ચ 2 દિવસની રજા આપવામા આવી છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓને 5 દિવસની સળંગ રજાનો લાભ આપવામાં આવ્યો છે.

​​​​​​​અત્રે ઉલ્લેખની છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજાના દિવસે અધ્યાપકો, અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પર બોલાવવામાં આવે તો તે દિવસની રજાનો લાભ તે પછીના ફરજ પરના દિવસો દરમિયાન આપવામાં આવે છે અને આ રજાઓ પણ તહેવારોની જાહેર રજાઓ પહેલા કે પછી આપવામાં આવતી હોવાથી સળંગ રજાનો લાભ મળે છે જેથી આ વખતે પણ રજાના દિવસે યોજાયેલા પદવીદાન સમારોહમાં કર્મચારીઓએ ફરજ બજાવી હોવાથી હવે તે રજાનો લાભ ગુરુવારથી 2 દિવસ અપાયો છે અને ત્યારબાદ 3 દિવસની જાહેર રજા છે. એટલે સળંગ પાંચ દિવસ રજાનો લાભ મળ્યો છે.

Exit mobile version