અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા શહેર વજનકાંટા ઉદ્યોગનું સૌથી મોટું હબ છે. જોકે, કોરોના કાળ બાદ આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સાવરકુંડલા શહેરમાં 20થી 25 હજાર જેટલા કારીગરોને રોજગારી પુરી પાડતો વજન કાંટા ઉદ્યોગમાં 200 ઉપરાંત કાંટાના કારખાનાઓ આવેલા છે. જેમાં તોલમાપમાં વપરાતા વજન કાંટોઓ બનાવવામાં આવે છે. ત્યારે કાચા માલમાં થયેલા તોતિંગ ભાવ વધારાના કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધી છે. અને અનેક કારખાનાઓ બંધ થવાની શક્યતા ઊભી થઈ છે
સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વર્ષોથી વજનકાંટા બનાવવાના અનેક કારખાંના છે. અને રોજગારી મેળવવા માટેનો મુખ્ય વ્યવસાય છે. કોરોના કાળમાં બે વર્ષ મોટાભાગના કારખાના બંધ રહ્યા હતા. ત્યારબાદ કોરોના કાળ સમાપ્ત થતાં અને જનજીવન ધમધમતું થતાં ફરી વનજકાંટા બનાવતા કારખાના શરૂ થયા હતા. અને બજારમાં માગ પણ નિકળી હતી. હવે ફરીવાર આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. આ વિસ્તારમાં મજૂરોથી લઈ કારીગરો સુધીના લોકોને રોજગારી આપવા માટે આ મોટો ઉદ્યોગ છે, પરંતુ હાલ મજૂરોની પણ રોજીરોટીનો મોટો પ્રશ્નનો ઉભો થયો છે. કોરોના કાળમાં ચાઈનામાંથી આવતો લોખંડ સહિતનો કાચો માલ મટિરિયલ આવતો બંધ થયો હતો. હાલ થોડો કાચો માલ આવી રહ્યો છે. જેના કારણે એક સમયે દરરોજના 20થી 30 કાંટા બનતા હતા તેની સામે હાલ માત્ર 10 કાંટા જ બને છે. આ કાંટા ઉદ્યોગમાં એક સમયે કારીગરો દરરોજ 500 રૂપિયાની કમાણી કરતા હતા. જેની સામે હાલ માત્ર 200 રૂપિયાની જ કમાણી કરી રહ્યા છે. જ્યાં દરરોજની 20 જેટલા કાંટાની સામે હવે ફક્ત 10 જેટલા જ કાંટા બનાવવામાં આવી રહ્યા છે. અહીં ઇલેક્ટ્રિક કાંટાઓ પણ બનાવવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી વખતે તાત્કાલીક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાંટા ઉદ્યોગના ભરપૂર વખાણ કર્યા હતા. બાદ વાયદો કર્યો હતો કે, સાવરકુંડલા ઉદ્યોગકારોને જી.આઈ.ડી.સી.આપવામાં આવશે, પરંતુ આજદિન સુધી જી.આઈ.ડી.સી મળી નથી. જેને લઈ નારાજગી પણ જોવા મળી રહી છે. શહેરમાં 100 વર્ષ ઉપરાંતથી કાંટા ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ત્યારે દિવસેને દિવસે લોખંડના ભાવ વધી રહ્યા છે. તેમજ કોરોના કાળમાં કાંટા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. જેને લઈ કાંટા ઉદ્યોગ મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે સરકાર ગંભીરતા દાખવી મદદ કરે તેવી માગ ઉઠી છે.
કાંટા ઉદ્યોગના કારખાનેદારના કહેવા મુજબ કોરોના કાળ બાદ લોખંડના ભાવમાં ખુબ વધારો થયો છે. હાલની પરિસ્થિતિમાં લોખંડનો ભાવ કાંટાને પરવડે તેમ જ નથી. જેને લઈ હાલ કારખાના બંધ થવાની આરે છે. મોંઘવારી પણ ખુબ વધી રહી છે. દેશના હાલના વડાપ્રધાન અને તાત્કાલીક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાવરકુંડલા શહેરમાં કાંટા ઉદ્યોગને જી.આઈ.ડી.સી.આપવામાં આવશે આવું વચન આપ્યું હતું, પરંતું આજદિન સુધી કાંટા ઉદ્યોગને જીઆઈડીસી મળી નથી. જેથી કાંટા ઉદ્યોગને જીઆઈડીસી આપવામાં આવે તેમજ લોખડના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ કરી છે.