Site icon Revoi.in

મહેસાણામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશનનું કૌભાંડ, ટાર્ગેટ પુરો કરવા માટે ખોટા આંકડા દર્શાવાયા

Social Share

મહેસાણાઃ ગુજરાતમાં કુટુંબ નિયોજનના કેસ લાવવા માટે હેલ્થ વર્કરોને ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. ઘણીવાર ટાર્ગેટ પુરો ન થતાં કર્મચારીઓને ઠપકો પણ આપવામાં આવતો હોય છે. મહેસાણા તાલુકામાં ભૂતિયા ઓપરેશનનું કૈભાંડ પ્રકાશમાં આવ્યું છે. મહેસાણામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશન મામલે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો હતો. જોકે, તપાસ કરવામાં આવતા માત્ર 85 ઓપરેશન થયાનું કહેવાય છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણામાં 16 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ટાર્ગેટ પૂરો કરવા ખોટા ઑપરેશન થયાના આંકડા આપ્યા હતા. 16 ફિમેલ હેલ્થ વર્કરને કારણ દર્શક નોટિસ આપી યોગ્ય ખુલાસો નહીં જણાય તો નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ તાલુકાના મેડિકલ ઓફિસરોને હાજર રહેવા તાકીદ કરાઈ છે. કુટુંબ નિયોજનના જરૂરી પુરાવા લઈ હાજર રહેવા તાકીદ કરાઈ છે. મહેસાણામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશનના જાહેર થયેલા આંકડામાં 17 લોકોને ચુકવણું થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશનનો આંકડો અપાયો હતો. જો કે, આ આંકડાના લાભાર્થીના નામોની વિગતો માંગતા કોઈ નામ જ મળ્યા ન હતા. જેની તપાસ ટીમ દ્વારા તપાસ શરૂ કરાતા 665 પૈકી 85 લાભાર્થીના ઓપરેશન થયાની તપાસમાં વિગતો મળી હતી. જેમાંથી હાલમાં 17 લાભાર્થીઓને તેનું ચુકવણું કરવામાં આવ્યું છે અને બાકીના 580 ભૂતિયા ઓપરેશનના આંકડા જાહેર થયું હોવાનું ખુલ્યું છે.

આ મામલામાં 16 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ટાર્ગેટ પૂરો કરવા ખોટા આંકડા અપાતા કારણ દર્શક નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યાં છે. જો યોગ્ય ખુલાસો નહીં જણાય તો નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરાશે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ તાલુકાના મેડિકલ ઓફિસરોને કુટુંબ નિયોજનના ઓપરેશનના જરૂરી પુરાવા લઈ હાજર રહેવા તાકીદ કરાઇ છે.