Site icon Revoi.in

સી-પ્લેન સેવા 11 મહિનામાં 221 દિવસ બંધ રહી, હવે ક્યારે શરૂ થશે તે કોઈ કહી શકતું નથી

Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સૌપ્રથમ સી-પ્લેન સેવા શરુ રહેવા કરતાં વધુ સમય બંધ રહે છે. ઘણા સમયથી સી-પ્લેનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. સપ્ટેમ્બરમાં આ સેવા ફરી શરુ થવાની આશા હતી. જો કે, ટુંક સમયમાં ફલાઈટ શરુ કરવાનાં કોઈ એંધાણ લાગતા નથી. આમ સીપ્લેન સેવાનો ફિયાસ્કો થયો હોવાનું લોકો કહી રહ્યા છે.

અમદાવાદના સાબરમતી રિવિરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સીપ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતથી આ સેવાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. અને મેન્ટેનન્સને લીધે વારંવાર સી-પ્લોન સેવા બંધ રાખવાની પરજ પડી હતી. ગયા વર્ષે 31 ઓકટોબરનાં રોજ તેની શરુઆત કરાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી લગભગ 221 દિવસ તો સી-પ્લેનની કામગીરી બંધ જ રહી છે. આ વર્ષની શરુઆતમાં જ એરક્રાફટને મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલી દેવાયા હતા.  સી-પ્લેનની પ્રથમ વર્ષગાંઠે પણ આ સેવા શરુ થશે કે નહીં તે બાબત અસ્પષ્ટ છે.

સૂત્રોના કહેવા મુજબ  સ્પાઈસ જેટની પેટા કંપની સ્પાઈસ શટલ કે સી-પ્લેન ચલાવે છે તે હાલ વિમાન ખરીદવા માટે ઉત્પાદકો સાથે વાતચીત કરી રહી છે પરંતુ નવાં વિમાનો કયારે આવશે અને તેની સર્વિસ કયારે શરુ થશે એ બાબતે કોઈ જાણકારી નથી. સી-ફલાઈટ આ વર્ષની શરુઆતમાં જ બંધ કરી દેવાય હતી. સી-પ્લેનની સર્વિસ શરુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેણે માત્ર 284 ફલાઈટ ભરી છે તેમજ 2458 લોકોએ આ સફરની મજા માણી છે, હવે ફરીવાર સી પ્લેન સર્વિસ કયારે શરુ થશે તે અંગે કોઈ પ્રકારની માહિતી મળી રહી નથી. માનવામાં આવી રહ્યું છે કે, ચુંટણી સમયે ફરી આ સેવા શરુ કરાશે.