Site icon Revoi.in

પંચમહાલ લોકસભાની બેઠક માટે કોંગ્રેસ દ્વારા લૂણાવાડાના MLA ગુલાબસિંહ ચૌહાણની પસંદગી

Social Share

લૂણાવાડાઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે માત્ર 7 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીની બેઠકોના ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર યાદી જાહેર કર્યા પહેલા જ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરીને પ્રચાર કાર્ય શરૂ કરી દેવાની સુચના આપવામાં આવી રહી છે. જેમાં  પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડવા માટે દિલ્હીથી સુચના આપવામાં આવી છે.

પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા રાજપાલસિંહ જાદવને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર થતાં ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારની ટક્કર જામશે. ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત સરકારના માજી વાહન વ્યવહાર મંત્રી સોમસિંહ વજેસિંહ ચૌહાણના પુત્ર છે. મૂળ લૂણાવાડાના વિરણીયાના રહેવાસી છે. તેમણે બી.કોમ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણની રાજકીય સફર જોઈએ તો 2006થી 2010 સુધી વિરણીયા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય તરીકે બે ટર્મ રહ્યા છે. તેમજ મહીસાગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી છે.

આ ઉપરાંત તેમણે  મહીસાગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, ધી વિરણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન, ધી અર્થક્ષમ સેવા સહકારી મંડળી વિરણીયાના ચેરમેન, ધી પિયત મંડળી વિરણીયાના ચેરમેન, સહભાગી વન વ્યવસ્થા મંડળી વિરણીયાના પ્રમુખ, જિલ્લા શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ, લુણાવાડા તાલુકા બક્ષિપંચ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે. કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર સ્થાનિક કક્ષાએ લાંબી રાજકીય કારકીર્દી ધરાવતા ગુલાબસિંહ ચૌહાણને પસંદગી ઉતારી છે, ત્યારે આ બેઠક પર ભાજપ દ્વારા પણ ક્ષત્રિય ઉમેદવાર એવા રાજપાલસિંહ જાદવને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આ બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.